[ શ્રીકૃષ્ણ એટલે શું? અંતર્ગત આપણે બે ભાગ (ભાગ ૧ અને ભાગ ૨)માણ્યા.  હવે માણીએ ભાગ ૩ (અને છેલ્લો) . આ લેખ માં અઘાસુર અને શકટાસુર એટલે શું? નો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણ ની લીલાઓ નાં આધ્યાત્મિક અર્થ માટે વાંચો સ્વામીજીનું ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત પુસ્તક ‘શ્રીકૃષ્ણલીલારહસ્ય’ ]

અઘાસુર

એક અસુર કંસનો મોકલેલો આવે છે. તેનું નામ અઘાસુર. મહાપાપી, કૃષ્ણને મારી નાખવા માટે આવે છે. પણ કૃષ્ણ તેને જ મારી નાખે છે. અઘસુરનો અર્થ સમજ્યા? અઘ એટલે પાપ. પાપ પોતે મહાશત્રુ છે, મોટો અસુર છે. પાપ કદી નિર્દોષ ના હોય, નિર્ભય ના હોય, નિશ્ચિંત ના હોય. પાપી અંતે પોતાના જ પાપના ભારથી ડૂબે છે. જેને કોઈ નથી મારી શકતું તેને પાપ મારે છે. પાપનો ઘડો ભરાય એટલે ફૂટવાનો જ. પ્રતીકારહીન પાપ પાપીના પોરસને પાનો ચઢાવે છે. પ્રતીકારહીન પ્રજા જુલ્મો સહતી જાય, તેમ તેમ પાપીને નિર્ભયતાની અનુભૂતિ થતી જાય. આ નિર્ભયતા તેને સ્વચ્છંદી બનાવે , મર્યાદાહીન  કાર્યો પ્રત્યે લલચાવે. અંતે તે  અતિરેકોથી ભરપૂર જીવનમાં ફસાય, તણાય અને નાશ પામે. અઘાસુરરૂપી અજગર ગળી જાય.

સાધનાનું પ્રથમ પગથીયું જપ-ધ્યાન નથી પણ નિષ્પાપ જીવન છે. નિષ્પાપ જીવન સ્વયંમાં એક મોટી સાધના છે. સાધનાનું ફાઉન્ડેશન છે. કસોટી સોનાની હોય, લોઢાની ના હોય. સાકરની પણ કસોટી થતી હોય છે. જે પ્રથમથી જ મનમોજી છે તેની વળી કસોટી કેવી? એટલે જે પ્રથમ અસુર આવ્યો તે અઘાસુર છે. બે પ્રકારના ઉપાસકો તમે જોશો: ૧. પાપસહીત ઉપાસના કરનાર. ૨. પાપરહિત થઈને ઉપાસના કરનાર. પ્રથમ કોટિમાં ઘણા માણસો આવે છે. એક તરફ તેમનાં સાંસારિક, વ્યાવહારિક, ધંધાકીય, રાજકીય વગેરે પાપો કર્યા કરવાના, સાથે સાથે પોતાના ઇષ્ટદેવની ઉપાસના પણ કર્યા કરવાના. એમ ના સમજતા કે પાપીની ઉપાસના નિષ્ફળ હોય છે. ભલે પાપ ચાલુ રહે તોપણ સીમિત માત્રામાં ઉપાસના સફળ રહેલી હોય છે. કેટલીક વાર પાપનાં પરિણામ ન ભોગવવા પડે એટલા માટે પણ ઉપાસના થતી હોય છે. આવા ઉપાસકો કદી નિષ્કામ નથી હોતા. કામનાને વરેલા તે હંમેશાં નાની નાની વસ્તુઓ માટે જપ-તપ કરતા-કરાવતા હોય છે.

એક બીજો સાધક છે, જે સર્વપ્રથમ નિષ્પાપ જીવન જીવવા મથે છે. જેમ કોઈ વિશાળ પટવાળી જળથી ભરપૂર ઘુઘવાટા કરતી નદીને પાર કરવી હોય અને નૌકાનું શરણું લીધું હોય. થોડે દૂર જતાં જ ખ્યાલ આવે કે નૌકામાં કાણું છે, પાણી ભરાય છે, નૌકા જરૂર ડૂબી જશે. બચવાનો ઉપાય એ છે કે આવેલા પાણીને ઉલેચી નાખવામાં આવે અને માણસ ઉલેચવા લાગી જાય, પણ પાણીની આવક ચાલુ જ હોય તો કેટલું ઉલેચે !તેના કરતાં વધુ ડહાપણનો રસ્તો એ છે કે પ્રથમ કાણાને બંધ કરી દેવામાં આવે. આવતું પાણી અટકી જાય પછી જ આવેલું છે તેને ઉલેચવામાં વાર નહિ લાગે. આ બીજો પ્રકાર બતાવવા માટે શ્રીમદ ભાગવતકારે અઘાસુરનું રૂપક આપ્યું છે. પ્રથમ પાપને સંહારો પછી નિરાંતે સાધના કરજો. મનમાંથી પાપવૃત્તિનો ઉચ્છેદ થયા વિનાની સાધના કદી નિર્દોષ ના હોય.

 

શકટાસુર

શ્રીકૃષ્ણનું પારણું ગાડાના લાકડે બાંધેલું છે. શ્રી જશોદામાતા એમ સમજે છે કે કૃષ્ણ પારણે ઝૂલી રહ્યા છે. ત્યાં તો એ ગાડું પોતે જ અસુરનું રૂપ થઈને કૃષ્ણને મારી નાખવા તૈયાર થયું.  પણ કૃષ્ણે તરત જ તે શકટાસુરનો વધ કર્યો. આ શકટાસુર શું છે? ખરેખર કોઈ ગાડું તો અસુરનું કામ કરે નહિ.

સંસ્કૃતમાં આવી વ્યુત્પત્તિ થઇ શકે તો – શકટમાં આવેલ ‘શ’ ને ‘સ’ માનવામાં આવે તો – ‘કટેન સહિત સકટમ’ અર્થાત કટ…કટ…કટ… એવો અવાજ જેમાં વારંવાર થતો હોય તેને શકટ કહેવાય. ગાડું ચાલે ત્યારે કટ કટ શબ્દ થયા કરતો હોય છે, એટલે તેને શકટ કહેવાય છે. લોકો પણ વ્યર્થની વાતો માટે કટ કટ શબ્દનો પ્રયોગ કરતા હોય છે. “શું કટ કટ ચાલી રહી છે ?” કટ કટનું ઉત્તરરૂપ ખટપટ છે. માત્ર ભૂંડી વાચાળતા સુધી વાકવિલાસ રહે ત્યાં સુધી કટ કટ, પણ તેને વધારે મૂર્તરૂપ આપવાનું દુષ્ચક્ર શરૂ થાય ત્યારે ખટપટ કહેવાય.

સાધનાના માર્ગનો એક અસુર છે વાચાળતા (કટ કટ), બોલ્યા જ કરવું; બોલ બોલ કર્યા કરવું. આ સાધનાનું દૂષણ છે. જેણે સાધના કરવી હોય તેણે મૌન રાખવું કે પછી ઓછામાં ઓછું બોલવું. મૌન સાધનાનું બહું મોટું મિત્ર છે, જ્યારે વાચાળતા સાધનાની શત્રુ છે. સામાન્ય રીતે અન્ન, લક્ષ્મી તથા સત્તાનું જેમ અજીર્ણ થઇ જતું હોય છે તેમ અલ્પ પાત્ર માટે સાધનાનું પણ અજીર્ણ થઇ જતું હોય છે. જે કાંઈ થોડા ઘણા અનુભવો થયા હોય તેને વધારી વધારીને સૌના આગળ બોલ્યા કરે, જાણે તેને જ ભગવાન પ્રસન્ન થઇ ગયા છે તેવો ડોળ કરી કરીને બધાની આગળ કટ કટ કર્યા જ કરે. આવો સાધક આગળ નથી વધી શકતો. જે અનુભવ થયા છે તેને મૌન દ્વારા પચાવવાના છે, બકવાદ દ્વારા વિખેરી નાખવાના નથી હોતા. જે બહુ બોલ બોલ કરે અને તેમાં પણ આત્મશ્લાઘાની વાતો કરે અને તેમાં પણ પોતાની આધ્યાત્મિક શ્રેષ્ઠતાની ડંફાસ હાંક્યા કરે તો સમજવું કે આ ખોખલો વાંસ છે, નક્કર નથી. શકટાસુરને માર્યા વિના સાધકની પ્રગતિ ના થઇ શકે, એટલે ભાગવતકારે શકટાસુરનું રૂપક મૂક્યું છે.