[ અસંખ્ય સંપ્રદાયો, પંથો, પરિવારો અને મંડળોમાં વહેંચાયેલી પ્રજા ઈશ્વરની જગ્યાએ કોઈ વ્યક્તિની પૂજા કરે છે અને ધર્મની જગ્યાએ ધર્માભાસનું સેવન કરે છે. પ્રજાને જરૂર છે ઈશ્વરના એકીકરણની. હજારો દેવી દેવતા અને ઈશ્વરોમાં જ નહિ પણ વ્યક્તિપૂજામાં વહેચાયેલી ગુમરાહ પ્રજાને એકેશ્વરનિષ્ઠામાં સ્થિર કરવાની જરૂર છે. પ્રજાને જરૂર છે સમાનતા અને સમતા આપનારા માનવતાવાદી ધર્મની.  હવે તો નિષ્ક્રિયતાને ખંખેરીને સૌ કોઈ પોતાના જ ભવિષ્યને સુધારવાના કામે લાગે. – સ્વામી સચ્ચિદાનંદ

‘હવે તો જાગીએ’ પુસ્તકની ભૂમિકા માંથી. ]

 

૨. સેંકડો સંપ્રદાયો

હિંદુ પ્રજાના ભૂતકાળને, વર્તમાનને તથા ભવિષ્યને ધમરોળી નાખનાર બીજું તત્વ છે હજારો સંપ્રદાયો. મને એક સ્થળેથી જાણવા મળ્યું કે હિંદુ પ્રજા સંપ્રદાયો, પેટા સંપ્રદાયો, પંથો, મંડળો, પરિવારો વગેરે દ્વારા વીસ હજાર ભાગોમાં વિભાજીત થઇ છે. કદાચ આ આંકડો સાચો હોય. કદાચ થોડો વધારે પણ હોય, પણ હિંદુ પ્રજા હજારો સંપ્રદાયોમાં વહેંચાયેલી છે, તેમાં તો શંકા જ નથી. મૂળ સનાતન ધર્મની જગ્યાએ આટલા બધા સંપ્રદાયો ફૂટી નીકળ્યા છે અને પ્રજા ઉપર છવાઈ ગયા છે. જોકે બીજા ધર્મોમાં પણ પાંચ-દસ-પચીસ સંપ્રદાયો હોય જ છે, પણ અહીં તો સેંકડો નહિ પણ હજારોની સંખ્યા જોઈ શકાય છે.

ચુસ્ત સાંપ્રદાયિકતા અને માનવતા

આ સંપ્રદાયોથી પ્રજાને શો લાભ થયો? જો આ સંપ્રદાયો ન હોત તો શું હાનિ થવાની હતી? જો આટલા બધા સંપ્રદાયો ન હોત તો શું હાનિ થવાની હતી? જો આટલા બધા સંપ્રદાયો ન હોત તો પ્રજા વિભાજીત થતી તો અટકી જાત. સંપ્રદાયોનો મૂળ પાયો જ વિભાજન છે. વિભાજનને વ્યવસ્થિત કરવા સૌ પ્રથમ પ્રત્યેક અનુયાયીની અલગ ઓળખ બતાવવી. એક નિશ્ચિત પ્રકારનું તિલક તથા નિશ્ચિત પ્રકારની વેશભૂષા, જેને જોતાં જ જોનારને ખ્યાલ આવે કે આ ‘અમુક’ છે. સનાતન ધર્મમાં તો આવો બાહ્યભેદ નથી. હું માનવ છું, માત્ર માનવ એવું માનનાર વ્યક્તિ વધુ ઉત્તમ હોઈ શકે કે હું તો ‘અમુક જ છું’, ‘ચુસ્ત અમુક’ એવું માનનાર ઉત્તમ થઇ શકે? ચુસ્ત સાંપ્રદાયિકતા અને માનવતાને સાથે રાખી શકાય જ નહિ.

એક વાર અમે દશેક યાત્રાળુઓ લાંબી યાત્રા કરતાં કરતાં અમુક સંપ્રદાયના મંદિરે પહોંચ્યા. મંદિરમાં દર્શન તો કર્યાં, પણ મંદિરની ભોજનશાળામાં જમવાની પરવાનગી ન મળી, વ્યવસ્થાપકે સ્પષ્ટ જણાવી દીધું કે ‘માત્ર અમારા સંપ્રદાયના માણસો માટે જ આ વ્યવસ્થા છે. બીજા માટે નહિ.’ જંગલમાં આવેલા આ સ્થળમાં બીજી કોઈ વ્યવસ્થા ન હોવાથી અમે સૌ સીંગચણા ફાકીને સાંજ સુધી ટ્રેનની રાહ જોઈ મંદિર સામે જ બેસી રહ્યા, પણ વ્યવસ્થાપકનું હૃદય ન પીગળ્યું. કારણ કે એનામાં ઠાંસી ઠાંસીને ચુસ્ત સાંપ્રદાયિકતા ભરી હતી, જે તેને માનવતાથી ઊલટી દિશા તરફ દોરી રહી હતી. આપણે પ્રતિવર્ષ આવા લાખ્ખો માનવતાવિહોણા સંપ્રદાયીકો ઉત્પન્ન કરવાનું કામ ગૌરવપૂર્વક કરીએ છીએ. ચુસ્ત સાંપ્રદાયિકો, એટલે જે બીજા ગુરુ, સંત, વક્તાની વાત તો ન સાંભળે, તેનો છાંયો પણ ન લે. બીજા સંપ્રદાયનો પ્રસાદ ન લે. બીજાના મંદિરમાં ન જાય, બીજાના દેવને ન નમે, ન નામ લે. આ બધી ચુસ્તતા પ્રજાને હળવા-મળવા કે ભળવા સામે પ્રતિરોધ પેદા કરે છે.

સંપ્રદાયો બદલતી હિંદુ પ્રજા

આટલા બધા સંપ્રદાયો એ પ્રજાનું ગૌરવ નહિ, પણ લાચારી છે, દુર્બળતા છે. નવાઈની વાત તો એ છે કે આ સંપ્રદાયો વિધર્મમાંથી લોકોને પોતાનામાં આકર્ષી શકતા નથી, પણ સ્વધર્મી ભાઈઓની જ ખેંચાખેંચ કરે છે. અંદરોઅંદરની આ ખેંચતાણ ઘણીવાર બૌદ્ધિક કક્ષાની ન રહેતાં અત્યંત નિમ્ન કક્ષાની થઇ જાય છે. એક તો લોકોને ખેંચવા ચમત્કારોનું ચાલુ ચલણ જોરશોરથી વહેતું કરાય છે. ચમત્કારોની ઘડી કાઢેલી કથાઓ અંધશ્રદ્ધાળુઓને વધુ અંધશ્રદ્ધાળુ બનાવે છે. જીવનના પ્રશ્નોને પુરુષાર્થથી ઉકેલવાની જગ્યાએ લોકો ચમત્કારોથી ઉકેલવા આંધળી દોટ મૂકતા થાય છે. પ્રજા ગુમરાહ બને છે. ‘અમારો સંપ્રદાય લોકોને પૈસાદાર બનાવે છે,’’ ‘મોક્ષ તો અમારા સંપ્રદાયમાં જ છે,’ ‘સાચું જ્ઞાન તો અમારી પાસે જ છે’ — આવી આવી હલકી અને કાલ્પનિક વાતો પાયામાંથી જ પ્રચલિત કરાય છે. દ્રઢ ઈમાન વિનાના લોકો લોભ-લાલચથી આ સંપ્રદાયમાંથી પેલા સંપ્રદાયમાં પક્ષપલટો કર્યાં કરે છે. ખાસ કરીને જયારે, જે ભાગમાં જે સંપ્રદાયનું જોર હોય ત્યારે તે સંપ્રદાયમાં દાખલ થવા લોકો જૂના સંપ્રદાયો છોડી છોડીને દોડતા જોઈ શકાય છે. આજનો જોરદાર સંપ્રદાય આવતી કાલે ઢીલો પડવાનો જ છે, ત્યારે વળી પાછો કોઈ બીજો સંપ્રદાય જોર વધારી રહ્યો હશે, લોકો તેમાં દાખલ થવા પછી દોડાદોડી કરશે. આ સતત પ્રક્રિયા હોવાથી હિંદુ પ્રજા સતત સંપ્રદાયો બદલતી પ્રજા થઇ જાય છે. તેનામાં સ્થિરતા કે દ્રઢતા જોવા નથી મળતી.

પેટા સંપ્રદાયો અને દ્વેષ

સંપ્રદાયોનાં પ્રવર્તકોના અવસાન પછી મોટા ભાગે આખું માળખું સંચાલકોના હાથમાં આવે છે. પૈસો અને પ્રતિષ્ઠાની છોળોનું પ્રબળ આકર્ષણ વારસદારોની અંદર અલગ અલગ મહત્વાકાંક્ષા જગાવે છે. રાજગાદી મેળવવાની લાલસા જેટલી જ ધર્મગાદી મેળવવાની લાલસા જાગે છે. પછી તો રાજખટપટો કરતાં પણ વધુ પ્રમાણમાં ખટપટો શરુ થાય છે. કોર્ટકચેરી, વકીલો, દલીલો, આક્ષેપો, કલંકો છેવટે મારામારી અને હત્યાઓ સુધી પણ મામલો પહોંચે છે. આ બધામાંથી એક નવું અનિષ્ટ શરૂ થાય છે, જેનું નામ છે ‘પેટા સંપ્રદાય’. પેટા સંપ્રદાય એટલે મૂળ સંપ્રદાય માંથી કોઈ કારણસર અલગ થયેલી શાખા. કોઈ ખાસ સૈદ્ધાંતિક મતભેદના કારણે નહિ, પણ વ્યક્તિગત પૈસો તથા પ્રતિષ્ઠા વગેરેના કારણે આવી શાખા જુદી પડતી હોય છે. આવી શાખા જુદી પડીને મૂળ સંપ્રદાયની ‘ગુડ વિલ’ નો તો પુરેપુરો લાભ ઉઠાવે જ છે, સાથે સાથે પોતાની નવી ઈમેજ ઊભી કરવા તથા વિસ્તારવા, જોરજોરથી પ્રચાર-પ્રસારના કાર્યમાં લાગી જાય છે. મૂળ સંપ્રદાયપ્રવર્તકના આશીર્વાદ તથા તેમનું તેજ અમારી પાસે જ છે, તેવી હવા ઊભી કરીને ફરી પાછી એની એ જ ઈંટો ખેંચીને પોતાની હવેલી ચણે છે. પ્રત્યેક સંપ્રદાયમાંથી જો એકાદ પેટા સંપ્રદાય થતો હોય તો તો જાણે ઠીક, પણ સંપ્રદાયની જેટલી પ્રતિષ્ઠા વધારે, જેટલી આવક વધારે તેટલા જ પેટા સંપ્રદાયો વધવાની શક્યતા વધારે. જોતજોતામાં બીજાપણ શક્તિશાળી માણસો પોતાના અલગ અલગ પેટા, ઉપપેટા સંપ્રદાયોની ઢગલીઓ વાળી લેવાની પ્રવૃત્તિ કરે છે. આવી પ્રજા ફરીફરીને વહેંચાય છે. બસ ભાગાકાર જ ભાગાકાર. એક જ મૂળ સંપ્રદાયમાંથી નીકળેલા બે પેટા સંપ્રદાયોના અધ્યક્ષોને એક સપ્તાહમાં આમંત્રિત કર્યા, બંને એકસાથે તો ન રહે, (દૂર દૂર એક કિ. મી. બંગલામાં રહે) પણ સપ્તાહમાં પણ મંચ ઉપર સાથે ન આવે. એક આવીને બેસી જાય પછી જ બીજા આવે. બંનેના ઇષ્ટદેવ એક છે, મૂળ પ્રવર્તક પણ એક છે, પણ પેટા સંપ્રદાય થવાથી પરસ્પર એટલો પ્રબળ દ્વેષ છે કે આટલો દ્વેષ તો બે ભિન્ન રાજકીય પક્ષોમાં પણ નહિ હોય.