‘ઓવર’-ધાર્મિકતા

હવે તો જાગીએ

એક વાર અમેરિકામાં એક ભાઈ મળ્યા, તેમણે જે વાત કહી તે મારા કાળજામાં પથ્થરની ચોટ કરી ગઈ. તેમના કહેવાનો સાર આવો હતો:

‘તમે એશિયનો (હિન્દુઓ અને મુસ્લિમો) વધુ ને વધુ ચુસ્ત ધાર્મિક બનો. તમારો વધુમાં વધુ સમય મંદિરો, મસ્જિદો, સપ્તાહો, કીર્તનો, સંઘો અને ઉત્સવો અને સમૈયાઓ ઊજવવામાં પસાર થાય તેમાં જ અમારું હિત છે. ધર્મ, સંસ્કૃતિ અને અધ્યાત્મની વિશાળ સભાઓ તમે ભરો તથા યુવાવર્ગને એ રસ્તે વાળો, તમે વધુ ને વધુ ધર્મચુસ્ત એટલે કે ધર્મઝનૂની બનો તે અમને ગમે છે. તેમાં જ અમારું કલ્યાણ છે.’

પેલા ભાઈની વાતો હું સમજી શકતો નહોતો. તે શું કહેવા માગે છે? શા માટે તે આપણી ધાર્મિકતાને બિરદાવતા હશે? તથા હજી પણ વધુ ધાર્મિકતા વ્યાપે તેવું કહેતા હશે? મેં આગ્રહપૂર્વક સાચું કારણ જાણવા પ્રયત્ન કર્યો, ત્યારે મને ઉત્તર મળ્યો:

‘તમે હિન્દુઓ, મુસ્લિમો વગેરે વધુ ને વધુ મંદિર-મસ્જિદમાં નગારાં વગાડવા કે બાંગ પોકારવા લાગશો, એટલે વધુ ને વધુ ટોળાં ત્યાં ભેગાં થશે. આ ટોળાં સતત ઉશ્કેરાયેલાં રહે તે માટે તમે પરસ્પરમાં વિરોધી ઝનૂની વાતાવરણ બનાવશો. તમારા સિવાય વિશ્વની બીજી કોઈ પ્રજા ‘ધર્મ ખતરામાં છે’ તેવું બુમરાણ મચાવતી નથી. તમારા પ્રસરાવેલા ઝનૂનમાં તમારો યુવાવર્ગ ઝનૂની થઈને સતત નાનીમોટી ઘટનાઓ સર્જશે. વર્તુળની માફક આવી ઘટનાઓ સતત બીજી ઘટનાઓને પ્રેરણાદાયી બનશે, જેથી તમારું પૂરું મસ્તિષ્ક ઊકળતી ધાર્મિકતામાં ઊકળવા લાગશે. આમ થવાથી તમારું મસ્તિષ્ક પ્રયોગશાળા તરફ જઈ શકશે નહિ. બસ, અમારું હિત એમાં છે કે તમારું મગજ પ્રયોગશાળામાં ન જાય, સતત ધાર્મિકતાના ઊકળતા ચરુમાં ઊકળતું રહે.’ પેલા ભાઈ વિસ્તારથી મને પોતાની વાત સમજાવી રહ્યા હતા. (more…)