[સ્વામીજી ની નવા પુસ્તક વાસ્તવિકતા માંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે.]

૧. જ્ઞાનપ્રાપ્તિનો સૌને સમાન અધિકાર છે.

૨. વર્ણ-જાતિ-જ્ઞાતિ કે બીજા કોઈ ભેદથી જ્ઞાનપ્રાપ્તિના અધિકારને રોકી શકાય નહિ.
૩. સૌમાં સમાન બુદ્ધિ હોતી નથી. બુદ્ધિની ચઢ-ઉતર સર્વત્ર દેખાય છે.
૪. જેમાં પ્રખર બુદ્ધિ હોય તેને પોતાની મેળે આગળ વધવા દેવો જોઈએ. તે રાષ્ટ્રનું ગૌરવ થશે.
૫. જેમને બુદ્ધિ હોવા છતાં પણ રોકી રાખ્યા છે તેમને વિશેષ તકો(અનામતો) આપવી જ જોઈએ.
૬. આવી અનામતો સમયમર્યાદામાં પૂરી થવી જોઈએ. અનંતકાળ સુધી ચાલુ ના રખાય.
૭. જે લોકોને કોઈએ રોક્યા કે અવરોધ્યા નથી પણ પોતાની મેળે જ જે અટકી ગયા છે તેમને વિશેષ તકો ન અપાય. તે પોતાની ભૂલો સુધારે અને આગળ વધે છે. પછાતપણા માટે તેઓ પોતે જ જવાબદાર છે.
૮. જે લોકો દબાયેલા કચડાયેલા ન હતા પણ સર્વોચ્ચ રાજસ્થાને બેઠા હતા તેમને વિશેષ તકો ન અપાય. તે વિશેષ તકોનો રાજકીય દુરુપયોગ જ કહેવાય.
૯. બધા ધર્મોમાં આગળ-પાછળ ચાલનારા વર્ગો હોય જ છે. તેમાંથી કોઈ એકાદ ધર્મને ચૂંટીને વિશેષ તકો આપવી તે અન્યાય છે. અન્યાયથી અસંતોષ વધતો હોય છે. તેથી રાષ્ટ્ર તૂટતું હોય છે.
૧૦. એવી વિશેષ તકો ન હોય કે જેમાં પ્રખર બુદ્ધિશાળીને કચડીને દબાવીને ઓછી બુદ્ધિવાળો કે કુબુદ્ધિવાળો આગળ વધે. આ પ્રતિભાની હત્યા જ કહેવાય.
૧૧. પ્રતિભાનું હત્યારું રાષ્ટ્ર કદી મહાન ન થઇ શકે.
૧૨. પ્રતિભાની પૂજા એ સર્વોચ્ચ પૂજા છે.
૧૩. નીચે પડેલા માણસનો હાથ પકડીને ઉભો કરાય જેથી તે સૌની સાથે ચાલી શકે. ચાલવાનું તેણે પોતાને જ હોય.
૧૪. નીચે પડેલા માણસને ઊચકીને માથે ન બેસાડાય. પછી તો તે ચાલવાનું જ ભૂલી જશે.
૧૫. માથે ચઢેલો માણસ સ્વસ્થ થઇ જશે તોપણ કદી તે રાજી-ખુશીથી ઉતરવાનો નથી. માથે ચઢયાંનો આનંદ કોણ જતો કરે.
૧૬. પડેલાને ઉઠાડો અને ચાલતો કરો. તેથી તે સ્વાવલંબી થશે. માથે ન ચઢાવો. તેથી તમે થાકી જશો અને પેલો ચાલવાનું ભૂલી જશે.
૧૭. બસના, ટ્રેનના, વિમાનના પ્રવાસીઓમાં જે માંદા હોય, અપંગ હોય, દરિદ્ર હોય તેમને સારી જગ્યાએ બેસવાની સુવિધા આપો. જેથી તે સારી રીતે પ્રવાસ કરી શકે. પણ તેની હમદર્દી એવી ન હોય કે તેને ડ્રાઈવરની સીટ પર બેસાડી દો. આવી હમદર્દીનું પરિણામ બસનો, ટ્રેનનો, વિમાનનો અકસ્માત થઇ શકે છે. જેમાં અનેક માણસોનું મૃત્યુ થઇ શકે છે. હા, તેમને ડ્રાઈવિંગ આવડતું હોય તો વાંધો નહિ.
૧૮. દેશની પ્રતિભા દેશમાં રહે પણ તે ત્યારે જ બને કે તેના પ્રત્યે અન્યાય ન થાય. પ્રખર પ્રતિભા પ્રત્યે ઘોર અન્યાય કરવાથી તે વિદેશમાં ચાલી જશે. આથી દેશ માટે બીજું કોઈ વધુ નુકસાન નહિ હોય.
૧૯. પ્રતિભા વ્યક્તિગત પણ હોય છે અને જીનેટિક પણ હોય છે. જેમ સામાન્ય કુતરું અને પોલીસનું વિશેષ કુતરું. બધાં કૂતરાં ટ્રેઈનીંગ લઇ શકતાં નથી. વિશેષ જ તે માટે યોગ્ય ગણાય છે.
૨૦. ઉચ્ચતમ શિક્ષણ માત્ર પ્રખર મેધાવી છાત્રો માટે જ હોવું જોઈએ. તેમાં નાત-જાતનો ભેદ ન હોય. પણ પ્રખર મેધાવીપણું હોવું જરૂરી છે.
૨૧. જ્ઞાનપ્રાપ્તિ માટે ગરીબી કે અમીરી સાધક કે બાધક નથી હોતાં. જન્મજાત પ્રતિભા જ મહત્વનું કારણ હોય છે.
૨૨. પ્રતિભા બાદમ ખાવાથી કે વિશેષ ટ્યુશનો આપવાથી નથી આવતી તે જન્મજાત પ્રતિભા જ મહત્વનું કારણ હોય છે.
૨૩. સામાન્ય બુદ્ધિ પણ ઘડતરથી ખીલી ઉઠે છે. ઘડતરની સૌને જરૂર છે તથા અધિકાર છે. પણ તેની મર્યાદા હોય છે.
૨૪. સામાન્ય બુદ્ધિનું ઘડતર કરીને તેને શેક્સપિયર, કાલિદાસ કે આઇન્સ્ટાઇન ન બનાવી શકાય. તે પ્રતિભાથી જ થવાતું હોય છે.
૨૫. સમાન હકનો અર્થ સામાન્ય બુદ્ધિ અને પ્રખર પ્રતિભાને સમાન ગણવાનો ન હોય. તો તો ટકે શેર ભાજી ટકે શેર ખાજાં થઇ જાય. સૌ સૌની યોગ્યતા અને ક્ષમતા પ્રમાણે અધિકાર હોય.
૨૬. માત્ર ઉચી જ્ઞાતિઓમાં જ પ્રખર પ્રતિભા હોય છે તેવું માનવું ઠીક નથી. એકલવ્ય, કલામ વગેરે તેમાં અપવાદ છે. તથાકથિત ઊતરતી જ્ઞાતિમાં પણ પ્રખર પ્રતિભાશાળી માણસો હોય જ છે.