[આ લેખ સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા‘ માંથી લેવામાં આવ્યું છે.]

૧. ધર્મનો પ્રાણ માનવતા છે.

૨. માનવતા વિનાનો ધર્મ ગમે તેટલો સારો હોય તોપણ તે મડદું છે. રૂપાળું મડદું.

૩. માનવતા એટલે માનવ દ્વારા માનવ માટે બધુંજ કરી છૂટવાની વૃતિ-પ્રવૃત્તિ.

૪. માનવસમુદાયમાં લગભગ બધાં જ માણસો કોઈ ને કોઈ કારણસર દુઃખી હોય છે. તે બધાં માંથી જે લોકો પોતાનાં દુઃખ દૂર કરી શકતા નથી તે દીન અને લાચાર છે. તેવા દીનલાચાર દુઃખીને યથાશક્ય સહાયરૂપ થવું તે માનવતા છે.

૫. માનવતાનાં મુખ્યતઃ ક્ષેત્રો છે:૧. પેટ, ૨. આરોગ્ય, ૩. રોજી, ૪. ભણતર, ૫. સુરક્ષા, ૬. આપત્કાલ

૬. ભૂખ્યું પેટ મહાપાપી છે. તે ન કરવાનું કરાવે છે. જે પોતાનું પેટ નથી ભરી શકતા તેવા લાચાર માણસોનું પેટ ઠારવા અન્નક્ષેત્રાદિની વ્યવસ્થા કરવી એ માનવતા છે, તેમાં પાત્ર-કુપાત્ર નો ભેદ ન રખાય. સૌને જમવા દો.

૭. માત્ર પોતાના જ સંપ્રદાય પૂરતી વ્યવસ્થા એ માનવતા નથી, તોપણ સારું છે. તેટલા લોકો તો ઠરશે.

૮. પ્રત્યેક વ્યાધિ પીડા આપે છે. ઘણા લોકો પોતાની વ્યાધિના ઉપાય નથી કરી શકતા તેમના માટે આરોગ્યાધામોની વ્યવસ્થા કરવી એ માનવતા છે. રોગીઓ રોતાં આવે અને હસતાં જાય તો પરમાત્મા પ્રસન્ન થાય.

૯. સૌથી મોટો યજ્ઞ રોજીનો છે. બેકારી મહાપાપ છે. તેનાથી છોડાવનારો સૌથી મોટો પુણ્યાત્મા છે. જે રોજીદાતા છે તે જીવનદાતા છે. રોજીઓ પેદા થાય તેવા ધંધા-ઉદ્યોગ લગાવવા-ચલાવવા એ વ્યાપારિક કાર્ય હોવા છતાં પણ માનવતાનું કાર્ય છે. દ્રોહ કે વિશ્વાસઘાત તો કોઈનો પણ ન હોય પણ રોજીદાતાનો તો ન જ હોય. રોજીદાતાનો દ્રોહ કરનાર પોતાની માતાનો જ દ્રોહ કરે છે. તેવું ન કરાય. રોજીદાતાનો આભાર ભુલાય નહિ.

૧૦. ઘણી પ્રતિભાઓ એવી વેલીઓ જેવી હોય છે, જે વાડ વિના ચઢી શકતી નથી. આવી પ્રતિભા-વેલી માટે વાડ બનવું એ માનવતા છે. પ્રતિભાશાળી પણ દરિદ્ર વિદ્યાર્થીઓને ભણવા માટે મનમૂકીને સહાય કરવી એ માનવતા છે. નાત-જાત, ધર્મ-સંપ્રદાય વગેરેનો ભેદ કર્યાં વિના સૌના માટે સહાયતા કરવી તે સાચી માનવતા છે. કદાચ એટલી વિશાળતા ન થઇ શકે તો પોતાના સમાજ પૂરતી પણ મદદ કરવી તે પણ સારી વાત છે. પણ વિદ્યાસહાયના બદલે ધર્મપરિવર્તન કરાવવું તે નિંદનીય છે. એક પ્રકારથી તે ધર્મની હત્યા કરવા બરાબર છે.

૧૧. સમર્થ પુરુષ, દીન-દુખિયા, લાચાર માણસોને રક્ષાનું કવચ પૂરું પાડે છે. તેની ધાક અને હાકથી આવાં દુર્લભ માણસોનું કોઈ નામ નથી લઇ શકતું. જેથી તે સુખપૂર્વક જીવી શકે છે. આ માનવતા છે. પણ સમર્થ માણસ, દીન-દુઃખી-લાચાર માણસોને સંતાપે કે રંજાડે તે ગુંડાગીરી કહેવાય. સામર્થ્યનો તે દુરુપયોગ છે. આવાં ગુંડાઓનો નાશ કરવો તે મહાપુણ્યનું કાર્ય છે. તે વીર છે, મહાવીર છે. વંદનીય છે, પૂજનીય છે.

૧૨. ધરતી ઉપર ન ઈચ્છો તોપણ કેટલીક વાર કુદરતી આપત્તિઓ આવતી જ હોય છે. ધરતીકંપ, સુનામી, દુષ્કાળ, અતિવૃષ્ટિ, રેલ, રોગચાળો વગેરે. આવા સમયે યથાશક્ય લોકોની વહારે દોડવું અને લોકોને રાહત આપવી તે માનવતા છે. આવાં કાર્યો જરૂર કરવાં જોઈએ.

૧૩. આવી બધી ધર્મપ્રવૃત્તિઓ કરનારો ધર્મ માનવતાવાદી ધર્મ કહેવાય. તે જ ધર્મનો પ્રાણ છે. તે છે તો ધર્મ છે, નહિ તો ધર્મ મડદું થઇ જાય છે અને ગંધાવા લાગે છે. ભલેને સોના-ચાંદીથી મડદું મઢયું હોય.
મડદું એટલે મડદું. નવલખો મુગટ કે છપ્પન ભોગ કે છપ્પન ગજની ધજા ફરકાવવાથી ધર્મમાં પ્રાણ નથી આવતો. જીવતા પ્રશ્નો ઉકેલો. મડદાને કોઈ પ્રશ્નો હોતા જ નથી. માનવતા તરફ વળો.