[ગીતામાં યોગની ભૂમિકા નો ભાગ -૧ અને ભાગ – ૨ આપણે માણ્યા, હવે માણીએ વિવિધ ધર્મોએ સંસારને કઈ વિશેષતા આપી, હિંદુ ધર્મનું આમાં શું પ્રદાન છે?. આ પ્રકરણ નું અક્ષરાંકન ‘પ્રવચનમંગલ‘ પુસ્તક માંથી કરવામાં આવ્યું છે. ]

વિવિધ ધર્મોનું પ્રદાન

દુનિયાના બધા જ મોટા ધર્મોએ સંસારને કોઈને કોઈ પ્રકારની વિશેષતા આપી છે. જોકે બધા જ ધર્મોની (આપણા ધર્મની પણ) કોઈને કોઈ ઉધાર બાજુ પણ છે. (પણ તે કહેવાનું મારું કામ નથી) હું એટલું કહી શકું કે જ્યાં સુધી પોતાના મતની દુર્બળ દિશા વ્યક્તિને દેખાતી નથી ત્યાં સુધી તે ધર્માંધ હોય છે. અસહિષ્ણુ હોય છે. નફરતથી ભરેલો હોય છે; જ્યારે વ્યક્તિને પોતાના જ ધર્મની અપાર મહત્તા સાથે તેની કમજોરી પણ દેખાય છે, ત્યારે તે ધર્માંધ નથી રહેતો. તેના વલણમાં બીજા પ્રત્યે ઉદારતા પ્રગટે છે. પોતાની જાતને નિષ્પાપ માનનાર વ્યક્તિ કરતાં પોતાનાં પાપોની સભાનતા રાખનાર વ્યક્તિ વધુ ઉદાર તથા સહિષ્ણુ હોય છે. “મારાથી પણ આવું થયું છે, હજી પણ થઇ શકે છે. હું આ વ્યક્તિ પ્રત્યે શા માટે નફરત કરું? શું તેના જેવા જ દોષો મેં નથી કર્યાં? “ આવા વિચારે તે સહિષ્ણુ થતો હોય છે. જ્યારે પોતાને તદ્દન નિર્દોષ, નિષ્પાપ, પવિત્ર સમજનાર આખી દુનિયાથી નાક ચડાવતો ફરતો હોય છે. નિષ્પક્ષ, અને ગંભીર અધ્યયન મનન પછી વ્યક્તિને દીવા જેવું સમજાય છે કે કોઈ પક્ષ, કોઈ ધર્મ, કોઈ મત સર્વાંશમાં નિર્દોષ નથી. સૌને ઓછી વત્તી જમા-ઉધાર બાજુઓ છે જ. આવી વૈચારિક ભૂમિકાએ પહોંચેલી વ્યક્તિ નાસ્તિક કે અનાસ્થાવાદી નહિ પણ સમજણ સાથેની આસ્થાવાળી-માનવતાવાદી બનશે. પેલા ધર્માંધ લોકો કરતાં તે સંસાર માટે વધુ કલ્યાણકારી બનશે.

ખ્રિસ્તી ધર્મની સેવા-પ્રણાલી

દરેક મોટા ધર્મે સંસારને કાંઈ ને કાંઈ વિશેષ તત્વ આપ્યું છે. ખ્રિસ્તી ધર્મે સેવાનું મહાન તત્વ સંસારને આપ્યું છે. ધર્મને માત્ર ક્રિયાકાંડની અટપટી વિધિઓમાં જ ગૂંચવી નાખવો તેના કરતાં જેનું પ્રત્યક્ષ પરિણામ છે તેવી માનવજાતની સેવામાં ધર્મનાં દર્શન કરવાં શું વધુ ઉત્તમ નથી? સાત સમુદ્ર પાર કરીને આવનારા ખ્રિસ્તી પાદરીઓ-નન્સો, મધરો, દુનિયાના દૂર દૂરના ઊંડા ખૂણાઓમાં, ગાઢ અંધકારમાં જીવતી પ્રજાઓમાં, તરછોડાયેલી, પશુથી પણ નિમ્ન જીવતી પ્રજાઓમાં, અસહ્ય યાતનાઓની પરવા કર્યાં વિના ટાઢ, તાપ, મેલેરિયા, ઝેરી જાનવરોનો ઉપદ્રવ તથા લોકોનો ઉપદ્રવ વગેરે અસંખ્ય પ્રતિકૂળતાઓ વચ્ચે રહીને સેવા તથા પ્રેમથી લોકોમાં પોતાનાં મૂળ નાખે છે. સ્કૂલ, દવાખાનું, અન્ન-વસ્ત્ર વગેરે જરૂરિયાતો પૂરી પાડીને લોકોનાં દુઃખો દૂર કરવા પોતાનાથી બનતું બધું કરી છૂટે છે. તેમની વિશેષતા એ છે કે તેમના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને વાતચીતની સભ્યતા, વ્યવહારની ઉત્તમતા તથા આદર્શભર્યા વ્યક્તિત્વથી તેઓ શણગારે છે. ગઈ કાલ સુધી જે જંગલી જેવા હતા, પછાત હતા, તેમને સભ્ય સંસારની હરોળમાં ઊભા કરી દે છે. તેમના સેવાયોગથી પ્રતિવર્ષ આપણા કેટલાય ભાઈઓ જે આપણા  જ દ્વારા હડધૂત થયેલા છે તે ખ્રિસ્તી ધર્મમાં ભળી જાય છે. આપણે આ બધું જાણીને દુઃખી થઈએ છીએ. પાદરીઓને અને ખ્રિસ્તી ધર્મને વખોડીએ છીએ; પણ તેમની સેવાની ધગશ તથા પતિતોને પણ છાતીએ લગાવવાની તત્પરતા ગ્રહણ નથી કરી શકતા.

આપણને તો આપણા જ ભાઈઓના પડછાયા અભડાવી મારે છે. આપણી કાલ્પનિક વર્ણગત ઉચ્ચતાના મોહે આપણને આંધળા બનાવી દીધા છે. આપણે એટલું નથી સમજી શકતા કે કોઈ પણ નિર્દોષ વ્યક્તિને માત્ર વર્ણ કે જાતના આધારે હડધૂત કરવા તે માનવદ્રોહ છે. કોઈ ધર્મ માનવદ્રોહ શિખવાડે નહિ અને શિખવાડે તો તે ધર્મ અલ્પજીવી જ બની જાય.

ઇસ્લામનો ભાતૃભાવ

ઇસ્લામે સંસારને દ્રઢ એકેશ્વરવાદ તથા ભાતૃભાવ શીખવાડ્યું. અસંખ્ય દેવ-દેવીઓમાં ગૂંચવાવા કરતાં એક માત્ર એક જ અલ્લાહને નમવું તથા ભજવું ઘણું સારું છે. આ દ્રઢ એકેશ્વરવાદના કારણે વિભિન્ન સંસ્કૃતિવાળી પ્રજાઓની વચ્ચે પણ તે જેટલી દાર્શનિક એકરૂપતા રાખી શક્યો છું, તેટલી કોઈ નથી રાખી શક્યું. ખ્રિસ્તીઓની સેવા તથા શાણપણ તેમાં ભલે ના હોય, પણ ભાતૃભાવ અનહદ છે. એક જ રેલવેના ડબ્બામાં એક પંજાબનો અને બીજો મહારાષ્ટ્રનો મુસલમાન મળ્યા હોય અને જમવાનો ડબ્બો ખોલે તો તરત ક એકબીજાને એક જ ખુમચામાં જમવા આમંત્રે. ટુકડામાંથી ટુકડો બંને જમે. કોઈ વટલાય નહિ, કોઈ અભડાય નહિ. આ ભાતૃત્વના જોરે આજે અમેરિકાથી ફિલિપાઇન્સ સુધી એક ઇસ્લામિક શક્તિનો ઉદય થતો જોઈ શકાય છે.

જૈન ધર્મની અહિંસા

જૈનોએ અહિંસા, ત્યાગ અને સંયમના તત્વો આપ્યાં. જોકે આ તત્વો બધા ધર્મોમાં દેખાય છે, પણ જેટલાં જૈન ધર્મમાં ઉપસ્યા છે, તેટલાં બીજે ભાગ્યે જ દેખાય છે. મૂળમાં જૈન ધર્મ એ મારે મતે ગૃહસ્થોનો ધર્મ નથી પણ મુનીઓનો-સંન્યાસીઓનો ધર્મ છે. ચતુર્વિધ સંધમાં ભલે શ્રાવક-શ્રાવિકાને એક ગૃહસ્થ દંપતી તરીકે ઉલ્લેખવા કરતાં શ્રાવક-શ્રાવિકા તરીકે અલગ-અલગ ઉલ્લેખવા પાછળ સંયમની પ્રેરણા માટેનું કોઈ કારણ હોવું જોઈએ.

બૌદ્ધોની ક્ષમતા

બૌદ્ધોએ સંસારને સમતા અને સ્વનિષ્ઠા આપી.ભગવાન બુદ્ધની દ્રષ્ટિએ એક ચક્રવર્તી રાજા તથા એક કંગાળ ભિખારી સરખાં છે અને આધ્યાત્મિક વિકાસ કોઈની શરણાગતિમાં નહિ પણ સભાનતાપૂર્વક પોતે જ પોતાના જોરે કરવાનો છે. બીજો કોઈ ભલું કરનારો નથી. તારું ભલું તારે પોતે જ કરવાનું છે, તેવું સમજાવ્યું. યુરોપના અર્ધ નાસ્તિક લોકો માટે આ ધર્મ અત્યારે આકર્ષણનું કેન્દ્ર બનતો જાય છે. બુદ્ધિવાદી માણસો માટે સંસારના કોઈ પણ ગ્રંથને ઈશ્વરકૃત માનવો અસહ્ય છે, તેમને તો બુદ્ધિપૂર્વકની આધ્યાત્મિકતા જોઈએ, ચમત્કારો નહિ. તેવા લોકો માટે બૌદ્ધ ધર્મ એક મોટું આશ્રયસ્થાન છે.

બ્રહ્મવિદ્યા અને યોગ

આવી રીતે બધા ધર્મોએ કાંઈ ને કાંઈ વિશેષતા આપી છે. હિંદુ ધર્મે પણ સંસારને કાંઇક વિશેષતા આપી છે. તે છે બ્રહ્મવિદ્યા તથા યોગ બ્રહ્મવિદ્યા સંબંધી જેટલું વિચારવિવેચન આ ધર્મમાં થયું છે તેટલું ક્યાંય નથી થયું. આપણાં શાસ્ત્રોનો બહુ મોટો ભાગ બ્રહ્મવિદ્યાથી ભરપૂર છે. આવી જ રીતે યોગતત્વ હિંદુ ધર્મનો એક મોટો નિધિ છે. વૈચારિક પરાકાષ્ઠા માટે બ્રહ્મવિદ્યા અને ક્રિયાત્મક સાધનાની પરાકાષ્ઠા માટે યોગ. બંને તત્વો વિના આધ્યાત્મિકતા તેના ઉચ્ચ ધ્યેયને પ્રાપ્ત ના કરી શકે. એટલે જે લોકો ધર્મઝનૂનથી કોઈ એક ધર્મના મૂઢ ગ્રહમાં પડ્યા નથી. તેઓ માટે હિંદુ ધર્મ યોગ તથા આધ્યાત્મવિદ્યાની ઉર્ધ્વગામી સીડી પૂરી પાડે છે. શારીરિક આસનો, મુદ્રાઓ, ક્રિયાઓ, માનસિક એકાગ્રતા અને નિ:સંકલ્પ સમાધિ આ યોજના રૂઢાર્થ બોધનાં પરિચાયક છે. પણ માત્ર આટલામાં જ યોગની ઇતિશ્રી નથી થતી; તેનો આયામ જીવનના પ્રત્યેક ખૂણે વિસ્તરેલો છે તેવું ગીતા માને છે. વિષાદથી માંડીને પ્રત્યેક ક્રિયાને યોગનું લક્ષ્યાંક આપવાનું ગીતાએ સૂચવ્યું છે. ગીતાનો યોગ માત્ર આંગળીનાં વેઢે ગણાય તેટલા કઠોર નિયમધારી યોગીઓ માટે જ નથી. પણ પ્રત્યેક વ્યક્તિ માટે છે. આવા અનેક યોગો શ્રીકૃષ્ણના વિશાળ વ્યક્તિત્વમાં જડાયેલાં રત્નો સમાન છે એટલે શ્રીકૃષ્ણ સ્વયં યોગેશ્વર છે, યોગ્વેત્તા છે. આ દ્રષ્ટિએ ગીતામાં તેમને વારંવાર યોગેશ્વર શબ્દથી સંબોધ્યા છે.

ત્રિવિધ યોગ

પ્રસ્તુત પ્રકરણમાં પણ “તેષાં કે યોગવિત્તમાં:” વાળા પ્રશ્નમાં ભક્તોને યોગવેત્તા ગણાવીને પૂછ્યું છે કે આ બંને (વ્યક્ત-અવ્યક્ત ઉપાસક)માંથી કોણ વધુ શ્રેષ્ઠ છે? ફરીથી ગીતાની પેલી વાત યાદ કરજો કે યોગ શબ્દ તેમાં કર્મયોગી માટે વાપર્યો છે. અહીં એ જ યોગ શબ્દ ભક્ત માટે વપરાયો છે. તે એમ બતાવવા કે જે કર્મયોગી હોય તે જ ભક્તિયોગી થઇ શકે. સ્થૂલ તથા બાહ્ય ક્રિયાઓ, તેનાં પરિણામો તથા તે માટેનિ મનોભૂમિકા, આ બધું જ્યાં સુધી નિષ્કામ કક્ષાએ નથી પહોંચ્યું ત્યાં સુધી કર્મયોગ કેવો? કર્મયોગનો ખરો આધાર તો માનસિક સત્વશીલતા છે. સ્થૂલ ક્રિયાઓ તો સકામી-નિષ્કામી બંનેની સરખી રહે, માત્ર માનોભૂમિકાનો જ ફરક રહે. આ મનોભૂમિકા ભક્તિ વિના સંભવવી કઠિન છે. એટલે ભક્તિ એ કર્મયોગની પણ પીઠિકા છે, ભક્તિ વિના કર્મ તો થઇ શકે. કર્મયોગ નાં થઇ શકે. ક્રિયાની શુદ્ધિ ભાવનાથી થાયઅને ભાવના ભક્તિથી થાય એટલે કર્મયોગ તથા ભક્તિયોગ અત્યન્ત પૃથક માર્ગ છે તેવું માનવું બરાબર નથી. પણ (કર્મયોગ તથા ભક્તિયોગ) બંને એકમેકના પોષક છે. અંતરભાવોને શુદ્ધ કરે તે ભક્તિ. આવી શુદ્ધ ભાવોથી થતી બાહ્ય ક્રિયાઓ જે અનાસક્તિથી થતી હોય, ફલેચ્છાની તીવ્ર વાસનાથી મુક્ત થઈને થતી હોય ય પોતાના પ્રિયતમ ઇષ્ટદેવ પરમાત્માને અર્પણ કરવાના ભાવથી થતી હોય તે કર્મયોગ છે. કર્મયોગ, એક તરફ વ્યક્તિની સક્રિયતાનું ટોનિક છે, તો બીજી તરફ કર્મ બંધનના ક્લેશોથી તદ્દન અલિપ્ત રાખનાર મહાકવચ છે. આપણે ત્યાં એક એવી પણ પરંપરા છે કે “કર્મણા ભગવદભક્તિ” નિષ્કામ ભાવથી કરાયેલાં કર્મો જ લાંબા ગાળે વ્યક્તિમાં ભક્તિની સ્ફૂર્તિ કરાવે છે. જેણે વર્ષો સુધી સેવા નથી કરી તે શું ભક્તિ કરવાનો હતો? એટલે પ્રથમ કર્મ, પછી તેમાંથી ભક્તિ અને “ભક્તિ જ્ઞાનાય કલ્પ્યતે” એ ભક્તિ જ જ્ઞાનમાં પરિણીત થઇ જ્ઞાનોદય કરાવે છે. આ ત્રણે (કર્મ-ભક્તિ-જ્ઞાન) અત્યન્ત જુદા માર્ગો નથી પણ એકબીજાના પૂરક છે, સહાયક છે. છતાં પણ સાધકભેદથી કોઈમાં કૃતિ પ્રધાનતા હોય તે કર્મયોગી. લાગણીની પ્રધાનતા હોય તે ભક્તિયોગી, બુદ્ધિની પ્રધાનતા હોય તે જ્ઞાનયોગી કહી શકાય. જેમ એક પક્ષીને બે પાંખો છે તથા એક પૂંછડી છે. એક પાંખ કર્મ છે, બીજી પાંખ ભક્તિ છે. પૂંછડી, જે દિશા નિર્ધારણ કરવાનું કાર્ય કરે છે તે જ્ઞાન છે. પાંખો વિનાનું પક્ષી એકલી પૂંછડીથી ઊડી નાં શકે. પૂંછડી વિનાનું પક્ષી ઊડી તો શકે પણ ધાર્યા પ્રમાણે આડું-અવળું, ઉપર-નીચે વળી ના શકે. એટલે આ ત્રણે તત્વો એકમેકનાં પૂરક છે. આધ્યાત્મિક માર્ગમાં પણ કર્મ, ભક્તિ તથા જ્ઞાન એમ ત્રણે તત્વોનો સુમેળ કરવાનો છે. બધાં એકબીજાના સહાયક છે, વિઘાતક નથી. પણ લોકો એમ સમજતા તથા સમજાવતા હોય છે કે અમે જ્ઞાનમાર્ગી છીએ એટલે અમારે કર્મ કરવાનાં હોય જ નહિ. કર્મ તો અજ્ઞાનીઓ માટે છે અને ભક્તિ પણ જેને આત્મસાક્ષાત્કાર નથી થયો તેવા અજ્ઞાની જીવો માટે છે. અમારા જેવા ‘અહં બ્રહ્માસ્મી’ ની કક્ષાએ પહોંચેલા જ્ઞાની પુરુષો માટે કર્મ કે ભક્તની કાંઈ જ જરૂર નથી. કારણ કે અમારો માર્ગ જ્ઞાનમાર્ગ છે. આવું કથન ગીતાના દ્રષ્ટિકોણથી વિરુદ્ધ છે. જ્ઞાની જ નિષ્કામ કર્મ કરી શકશે. શું અજ્ઞાની નિષ્કામ કર્મયોગ કરી શકશે? અને જે નિષ્કામ કર્મ કરે તે શું અજ્ઞાની હોય? જે નિષ્કામ ભાવથી ભક્તિ કરે તે શું અજ્ઞાની હોય? કદી નહિ.

જ્ઞાન અંતરતત્વ છે. તેની અભિવ્યક્તિ તેના પોતાના દ્વારા નથી થતી, પણ ઉચ્ચ વિચારો તથા ઉચ્ચ કૃતિઓના દ્વારા જ થતી હોય છે. ઉચ્ચ વિચારો, ભક્તિનો સહજ પરિપાક છે અને ઉચ્ચ કૃતિઓ પણ જ્ઞાન-ભક્તિનો સહજ પરિપાક છે, એટલે આ ત્રણે એકબીજાનાં વિરોધી નહિ, પણ સહયોગી છે. ક્રિયા તથા ભક્તિ વિનાનું જ્ઞાન વાંઝિયું છે. નકારાત્મક છે, અકર્મણ્યતાનાં શાપથી શાપિત છે. આવું જ્ઞાન સમગ્ર પ્રજાને નકારાત્મક જીવન જીવતી કરી મૂકે છે. પરિણામે પ્રજા કંગાળ બંને છે. આવાં વાંઝિયા જ્ઞાન કરતાં પ્રજાને સુખ-સમૃદ્ધિ આપનારું અજ્ઞાન (જોકે તેને અજ્ઞાન નાં કહેવાય છતાં કોઈ અજ્ઞાન કહે તો અજ્ઞાન) શ્રેષ્ઠ છે. હજારો ગ્રંથોના તથા હજારો ફિલસૂફોના મહાન નકારાત્મક જ્ઞાન કરતાં એક અભણ ખેડૂતનું જ્ઞાન શ્રેષ્ઠ છે, જે દેશને પ્રતિવર્ષ બે-પાંચ ગાડા ભરીને અનાજનો ઢગલો આપે છે. ગીતા નકારાત્મક જ્ઞાનને જ્ઞાન નથી માનતી. જ્ઞાન એવું હોય જેમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનાં તત્વો હોય છે. ‘કે યોગવિત્તમા:’ આવા પ્રશ્નમાં મૂકાયેલ યોગ શબ્દ રૂઢાર્થ નથી, પણ ગીતાની દ્રષ્ટિએ જીવનની તમામ દિશાઓની પરિપૂર્ણ યોગતાનો સૂચક છે. આ યોગનો મૂલાધાર ભક્તિ છે. ભક્તિની પરાકાષ્ઠા શુદ્ધપ્રેમ છે અને બધા જ યોગોનો કુલ સરવાળો પ્રેમ છે. આવો કુલ સરવાળો જેનામાં થયો હોય તે યોગેશ્વર છે, કૃષ્ણ છે, પ્રેમ છે. તે વ્યક્ત રૂપે હોય યા અવ્યક્તરૂપે હોય, જેને જાણનાર પામનાર યોગવિત્તમ છે. એટલે કહ્યું છે કે વ્યક્ત અથવા અવ્યક્તની ઉપાસના કરનાર યોગવેત્તાઓમાં કોણ શ્રેષ્ઠ છે?