હિંદુઓનું ભવિષ્ય – અમદાવાદ

Side A –
– સુખ અને શાંતિ આ બંનેનું મૂળ છે, દુઃખ અને અશાંતિના પ્રશ્નોને ઉકેલવામાં. જેને દુઃખ હોય એનેજ સુખ હોય અને જેને અશાંતિ હોય એનેજ શાંતિ હોય. તમે દુઃખના અને અશાંતિના પ્રશ્નો ન ઉકેલો અને બીજી ગમે તે રીતે સુખ શાંતિ મેળવવા પ્રયત્ન કરો એ કદી સફળ થવાનું નથી. આ પ્રશ્નોને ઉકેલવા માટે પાંચ વાદો છે, જેમાં લોકો પ્રયત્ન કરે છે. કલ્પનાવાદ, આશાવાદ, આદર્શવાદ, નિરાશાવાદ અને વાસ્તવવાદ. આ પાંચ વાદોમાંથી તમે કયા વાદ ઉપરથી પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરો છો, એ મહત્વની વસ્તુ છે. @2.35min. ઘણા લોકોનું ચિંતન કલ્પનાવાદી હોય છે, જેમાં કોઈ પરિણામજ ન આવે. મહંમદ ગઝની જયારે સોમનાથ પર ચઢી આવ્યો ત્યારે, દરવાજા બંધ કરી દીધા અને જે ધર્મ નેતાઓ હતા એમણે લોકોને સમજાવ્યું કે તમે જરાયે ચિંતા કરશો નહીં, આ મહાદેવ છે એ ત્રીજું નેત્ર ખોલવાના છે અને એ ત્રીજું નેત્ર ખોલશે ત્યારે આ બધ્ધા મલેચ્છો, યવનો બળીને ખાક થઇ જવના છે. ખરેખર એવું કશું થયું? આ કલ્પનાવાદ છે, એનાથી તમે પ્રશ્નો ઉકેલી ન શકો. દુનિયાભરના બધા ધર્મો કોઈને કોઈ પ્રકારની કલ્પનાઓ આપે છે, પણ બધા ધર્મો માત્ર કલ્પનાઓજ નથી આપતા પણ કલ્પનાની સાથે સાથે કંઈ વાસ્તવિકતા પણ હોવી જોઈએ. એમાં આપણો જે પૌરાણિક હિંદુ ધર્મ છે એ માત્ર કલ્પનાઓ ઉપરજ ચાલે છે. દા.ત. તમારે ત્યાં બાળક નથી થતું ને? ચાલો તમને વિધિ બતાવીએ. તમારે ત્યાં પૈસો ટકતો નથી ને? વૈભવ લક્ષ્મીનું વ્રત કરી દો, તો ઘરમાં પૈસોજ પૈસો થશે. આ કલ્પના છે? જાપાનમાં અમેરિકામાં કોઈ વૈભવ લક્ષ્મીનું વ્રત કરે છે? જો વૈભવ લક્ષ્મીનું વ્રત કામ ન કરે તો બીજું દશામાંનું વ્રત કરો, કારણ કે તમારી દશા બેઠી છે. વડોદરા જતાં એક પીર બાપજીની જગ્યા છે, ત્યાં લોકો ઘડિયાળ આપે છે તે સાંભળો. શ્રદ્ધા અને કલ્પના અલગ અલગ વસ્તુ છે, શ્રદ્ધા પુરુષાર્થ ન છોડાવે, જ્યારે કલ્પના પુરુષાર્થ છોડાવે. @7.16min. એક બીજો માણસ છે એ આશાવાદી છે. સાધુઓની ખાસિયત છે કે કોઈને પણ “તારું ભૂંડું થશે એમ કહેવાય નહીં. “काम हो जाएगा” જો ન થાય તો એ ખોટો દાવો માંડવાનો છે? આશાવાદ ઉત્તમ હોવા છતાં એમાં પણ દોષ છે, તમે એવી આશા રાખો કે જે શક્ય હોય, ઉદાહરણ સાંભળો. હિંદુ પ્રજાનું ભવિષ્ય કેવું? એક નેતાની હિંદુઓ વિશેની કલ્પના સાંભળો. હિંદુઓના ભવિષ્યને ત્રણ દ્રષ્ટિકોણથી જુઓ. હિંદુઓ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે? હિંદુઓ બળવાન થતા જાય છે કે કમજોર થતા જાય છે? હિંદુઓ દિનપ્રતિદિન વધુ સંગઠીત થતા જાય છે કે વેરવિખેર થતા જાય છે? આ ત્રણ સવાલના જવાબમાંજ હિંદુઓના ભવિષ્યનો જવાબ છે. એ તો ચોખ્ખી વાત છે કે આપણે વધતાં નથી, એની બ્લુ-પ્રિન્ટજ એવી છે કે આપણે વધી શકીએ નહીં. આજે દુનિયામાં ક્રિશ્ચિઅનો વધી રહ્યા છે. જંગલોમાં, આદિવાસી વસ્તીઓમાં પોતાના કેન્દ્રો લઈને બેઠા છે, આવુંજ મુસ્લીમો કરી રહ્યા છે. આપણી પાસે વધારવાની કોઈ વ્યાવસ્થાજ નથી અને ઘટાડવાની પુરેપુરી વ્યવસ્થા છે. તમને જાણીને દુઃખ થશે કે હિંદુઓમાંથી એવો કેટલોયે ભાગ છે કે તે પોતાની જાતને હિંદુ કહેડાવવા તૈયાર નથી. ખાસ કરીને કટ્ટર આંબેડકરવાદી જે દલિતોનો વર્ગ છે તે હિંદુઓનો સખત વિરોધી થઇ રહ્યો છે. દલિતોમાં એક બીજો વર્ગ બહું સારો, બહું ડાહ્યો છે, મારે ઘણીવાર જવાનું થાય, હું એમને કહું છું કે તમને કોણે દલિત બનાવ્યા એ ચિંતન હવે મહત્વનું નથી, પણ તમને આગળ લાવવામાં કોણે વધારે ભૂમિકા ભજવી એ મહત્વનું છે. @13.25min. પછાત તો પટેલોને પણ બનાવ્યા હતા. દરબારી-નવાબી રાજ્યોમાં પટેલો શું વેઠ કરતા તે સાંભળો. આવું કેમ હતું? ફરી પાછો કલ્પના વાદ આવ્યો કે કળીયુગમાં આવુંજ થાય. શું કળીયુગ ભારતમાંજ આવ્યો છે? જાપાનમાં, સ્વીડનમાં કેમ નથી આવ્યો? ત્યાં તો બધું સત્યયુગ જેવું લાગે છે. આપણે ત્યાં બહું થોડા મહાહુરુષો થયા છે, જે થયા છે, તે મોટે ભાગે ડમી થયા છે, જે પ્રશ્નોને અડેજ નહિ અને તમારા પ્રશ્નોને ઉંધે રવાડે ચઢાવી દેવાના. તમે દુઃખી છો? અરે, આત્માને દુઃખ હોયજ નહીં. અ તો શરીરને દુઃખ છે, તમને(આત્માને) અને શરીરને કંઈ લેવા-દેવા હોયજ નહિ, એમને સળગતી બીડી ચાંપો તો ખબર પડે કે આત્માને અને શરીરને શું લેવા-દેવા છે. વિશ્વ હિંદુ પરિષદનો એક અનુભવ સાંભળો. પ્રશ્ન એ છે કે આપણે સાધુઓએ શું કરવું? એક વૃદ્ધ અને બહું મોટા વિદ્વાને કહ્યું, “हमको कुछ करना नहीं है, अपना अपना प्रारब्ध भोग लेना है.” હવે તમે કેવી રીતે પ્રશ્નોને ઉકેલશો? સાચું ચિંતન એ છે કે, જે પોતાના દોષોને સ્વીકારીને ચાલે, તો તમારા દોષને તમે નિવારી શકો પણ આપણે તો કહીએ કે “हम महान हैं” તો ખરેખર પછી દોષ રહ્યોજ નહિ, પણ આપણે ખરેખર એમ બોલવું જોઈએ કે “हम बीमार हैं” તો તમારી બીમારીનો ઉપાય કરી શકાય. @19.54min. આપણે દુનિયાની બળવાન પ્રજા છીએ કે કમજોર પ્રજા છીએ? એનું માપ કેવી રીતે કાઢશો? મહોલ્લાઓના મહોલ્લા કોણ છોડીને ભાગી રહ્યું છે? અને કોણ બીજાના મહોલ્લાઓ પચાવી રહ્યું છે? બહું સરળતાથી હિંદુઓને ભગવી શકાય છે, જયારે સરકાર હિંદુઓની, મિલીટરી હિંદુઓની અને ઓફિસરો હિંદુઓ છે. તમે એટલી બધી પવિત્ર પ્રજા થઇ ગઈ કે તમારા બારણામાં કોઈ ઈંડાના બે છોતરા કે હાડકાં નાંખે એટલે ઘર છોડીને ભાગી જાવ? કોઈ આવીને તમારા ઉપર શ્વાસ નાંખે, થુંકે તો શું તમે અભડાઈ ગયા? આ દુર્બળતા આપણી પોતાની છે. અમારા આશ્રમમાં રોજ ત્રણ સ્ત્રીઓ આવે છે, એક પ્રજાપતિની, એક પટેલની અને એક બ્રાહ્મણની આ ત્રણે મુસ્લિમોને પરણેલી છે. આ ત્રણે બકરાના ચારા માટે પટેલની વાડમાંથી ભારો બાંધે અને બજારમાં વેચે ત્યારે ખાવાનું ખાય. હવે એમને ભૂલ સમજાય અને પાછી આવવા માંગે તો એને કોઈ લેવા તૈયાર થાય? કોઈ સ્વીકાર કરવા તૈયાર થાય? પવિત્રતાજ આપણાં માટે મોટામાં મોટી દુર્બળતા બની. @24.32min. આફ્રિકાથી આવેલા એક બહેનનું ઉદાહરણ સાંભળો, જે બ્રહ્મકુમારીવાળા છે, જે આશ્રમનું પાણી પીતા નથી પણ બજારમાંથી પેપ્સી મંગાવીને પીએ છે. આ નવી આભડછેટ આવી. સામે જે વર્ગ છે, એ બધાં એકજ માટલામાંથી પાણી પીએ છે, એને કોઈ અભડાવી-વટલાવી શકે ખરો? આપણે વ્યવાસ્થાજ એવી કરી કે આપણે બધાની સાથે એક થઈને રહી નથી શકતા. @29.00min. એક હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેની વાત સાંભળો. ટાન્ઝાનિઆ ગોરનગોરો ક્રેટરની વાત સાંભળો. તમારે 30 લાખ હરણાંમાં રહેવું છે કે 700 સિંહમાં રહેવું છે? ગુરુ ગોવિંદ સિંહે આ સાતસો સિંહો ઉભા કર્યા. પછી તો બધે સિંહજ સિંહ. અક્ષર ધામ પર બે આતંકવાદીઓએ હુમલો કર્યો અને જોતજોતામાં 35-37 માણસો મારી નાંખ્યા પણ મારું કહેવું એમ છે કે આ બે આતંકવાદીઓ શીખના ડેરા ઉપર હુમલો કર્યો હોત અને ત્યાં 150 શીખો બેઠા હોત તો દિલ્હીથી કમાંડો બોલાવવાની જરૂર પડી હોત ખરી? અહીં એકેએક શીખ કમાંડો છે. હું એમ માનું છું કે જે ધર્મ વીરતા ન શીખવાડે તે કબૂતરો, સસલાં અને હરણાંજ પેદા કરે છે, એનું ભવિષ્ય કોઈનો ખોરાક છે, આ દીવા જેવી ચોખ્ખી વાત છે એટલે મેં સુત્ર કાઢ્યું છે, “वीरता परमो धर्म” બીજું સુત્ર ઉમેર્યું છે કે “एकता परमो धर्म” તમારામાં વીરતા અને એકતા આવે તો તમારા ભવિષ્યની ચિંતા થાય ખરી? @35.22min. તમારે આશાવાદી થઈને ભવિષ્ય નક્કી કરવું છે તો એ જોવાનું કે આ પ્રજા સંગઠિત પ્રજા છે કે વેરવિખેર પ્રજા છે? જો એ સંગઠિત નથી તો એનું ભવિષ્ય નથી અને સંગઠિત છે તો એનું ભવિષ્ય છે. મારી દ્રષ્ટીએ તમે ત્રણ રીતે સંગઠિત નથી થઇ શકતા. એક, વર્ણ વ્યવસ્થા અને એનું પરિણામ આવ્યું જ્ઞાતિવાદ. આપણે મળીએ એટલે પહેલા પૂછીએ કે તમે કઈ ન્યાતના? તમને ચહેરા ઉપર કોઈ જ્ઞાત દેખાય છે? આ અમેરિકાનો રાષ્ટ્રપતિ બુશ કઈ ન્યાતનો છે? ટોની બ્લેરની કઈ ન્યાત છે? એમની કોઈ ન્યાતજ નથી. આપણે કેવી રીતે લડીએ છીએ તે સાંભળો. આજે તમે શુદ્ર કોને કહેશો? કોઈ શુદ્ર નથી. જો કોઈ શુદ્ર નથી તો કોઈ બ્રાહ્મણ પણ નથી. જો તમે કોઈને બ્રાહ્મણ બનાવશો તો તમારે કોઈને શુદ્ર બનાવવો પડશે. ગાંધીજી એમ કહેતા કે મૃત્યુ પછી જો મારો પુનર્જન્મ થવાનો હોય તો મારે ભાંગી થવું છે. આ માણસની કેટલી મહાનતા? @40.51min. શું દુઃખની વાત કરું? અમારા એક શાસ્ત્રી હતા, એમણે કહ્યું કે વર્ણવ્યવસ્થા જન્મથીજ હોવી જોઈએ. હિંદુ પ્રજાનું ભવિષ્ય બગાડનારા આ લોકોની આંખ હજુ આજે પણ ઉઘડતી નથી. આવી ન્યાતિઓ મુસ્લિમોમાં પણ છે, છતાં એમને રોટી વ્યહવાર અને બેટી વ્યહવારમાં કશો વાંધો નથી. ધાર્મિક ક્ષેત્રમાં અને રોટી વહેવારમાં બધા સરખા છે. કાશીના પંડિત દેવદત્તની વાત સાંભળો, કહે છે, “अछूत लोग मंदिरमे घुस गए, अब भगवन जाने क्या होगा?” મેં કહ્યું આજે ખરેખર ધર્મની સ્થાપના થઇ, કરપાત્રી મહારાજે કહ્યું હવે આ વિશ્વનાથ પાયખાનાનો પથરો થઇ ગયો, વધુ આગળ સાંભળો. @45.18min. કાશીમાં તમને પંડ્યા પુજારી જ્ઞાનવાપી કુવા આગળ લઇ જશે. કુવાની નીચે મહાદેવજી છે. તમને બતાવશે કે “जब औरंगजेब यहाँ मंदिर तोड़ने आया था, तब विश्वनाथजी अपनी रक्षा करनेके लिए, इस कुवेमें कूद पड़े थे.” તો મેં પૂછ્યું, “औरंगजेब बलवान के विश्वनाथ बलवान?” મને કહે “नास्तिक मालूम होते हो” આ તો બીકના માર્યા આપણે મૂર્તિઓ કુવામાં નાંખી દીધી હતી. આજે જૈનોની મૂર્તિ પણ જમીનમાંથી નીકળે છે. એમાથી બોધ-પાઠ લો કે ફરી પાછી આ મૂર્તિઓનેને દાટવી ન પડે. ક્રિશ્ચિઅનો(અંગ્રેજો) અહી આવ્યા ત્યારે એમના બબરચી વણકર હોય કે ચમાર હોય, એ લોકો નથી અભડાતા. આપણે જો આ વર્ણ વ્યવસ્થાના ગણિત પ્રમાણે ચાલીએ તો પ્રજા ચોક્કસ દુર્બળ બને, આટલેથીજ પ્રજા દુર્બળ નથી થતી, અહિયાં તો સંપ્રદાયોજ સંપ્રદાયો, ગુરુઓજ ગુરુઓ. ભારતમાં આજે 20,000સંપ્રદાયો છે અને તે એકબીજાના નામ નથી બોલવા દેતા.