1. બળાત્કાર માત્ર માનવજાતિમાં જ થતો જણાયો છે. માનવ સિવાયની બધી જાતિઓમાં બળાત્કાર થતો જણાતો નથી.

2. જો આ વાત સાચી હોય તો ‘પાશવી બળાત્કાર’માં પશુ શબ્દ, પશુઓનું અપમાન કરવા બરાબર છે. પશુઓ બળાત્કાર કરતાં જ નથી પછી પાશવી શબ્દ પ્રયોજાય જ કેવી રીતે? ખરેખર તો ‘માનવીય બળાત્કાર’ એમ લખાવું જોઈએ.

3. પશુઓ બળાત્કાર નથી કરતાં તેનો અર્થ પશુઓ કામાતુર નથી થતાં તેવો નથી. પશુઓ પણ કામાતુર થાય જ છે. પણ કામાતુર નર, માદાને રીઝવવા પ્રયત્નો કરે છે. કલાકો સુધી તેની પાછળપાછળ ફરે છે. અને પછી રીઝેલી માદા નરને અનુકૂળ થાય છે. ન રીઝેલી માદાને બળજબરીથી અનુકૂળ કરવાનો પશુ-નર પાસે કોઈ ઉપાય નથી હોતો. જો માદા ઊભી જ ન રહે તો કાંઈ કરી શકે નહિ. બહુ બહુ તો તેને દોડાવ-દોડાવ કરે. બળાત્કાર તો ન જ કરી શકે.

4. પુરુષનર જ્યારે સ્ત્રીની ઇચ્છાવિરુદ્ધ તેના ઉપર બળાત્કાર કરે છે ત્યારે તેને ભય, માર-ઝૂડ કરીને અને સૌથી મોટી વાત તો એ છે કે તેને બાંધીને પણ પોતાને આધીન કરી શકે છે. કુદરતી રીતે સ્ત્રી-શરીરની રચના તેની મોટી મજબૂરી છે. તે પોતાના ગુપ્તાંગને બંધ નથી કરી શકતી. જોર-જબરદસ્તીથી તેનો ઉપયોગ કરી શકાય છે. જો આ વાત સાચી હોય તો સ્ત્રીએ હંમેશાં રક્ષિત જીવન જીવવું જોઈએ. કોઈ ને કોઈ પુરુષના રક્ષણમાં અથવા સ્ત્રી-સમૂહના રક્ષણમાં તેણે જીવન જીવવું જોઈએ. એકાકી સ્ત્રી અનર્થોને આમંત્રણ આપે છે.

5. બળાત્કાર થવાનાં મુખ્યત: ત્રણ કારણો હોય છે : 1. સ્ત્રીપ્રાપ્તિ વિનાના એકાકી પુરુષો કામાતુર થઈને ભાન ભૂલીને એકલદોકલ રખડતી-ભટકતી સ્ત્રીને લક્ષ્ય બનાવી બેસતા હોય છે. સતત કામાવરોધ, પ્રચંડ આંધી ઉત્પન્ન કરે છે. તેથી ભાન ભૂલીને નર ન કરવાનું કરી મૂકે છે. 2. પરણેલા—પત્નીવાળા પુરુષો, જો પોતાના પાત્રથી અસંતુષ્ટ હોય અને જેનો કામ શાંત ન થયો હોય તે પણ આવેગના વંટોળમાં ન કરવાનું કરી બેસતા હોય છે. 3. કેટલીક વાર સ્ત્રીઓ તરફથી ઉશ્કેરણીજનક વ્યવહાર થાય, વસ્ત્રો તથા ચેનચાળા એવા કરાતા હોય કે માણસ કાબૂ ખોઈ બેસે અને ન કરવાનું કરી બેસે. ચલિત કરવા માટેના શણગારો, હાવભાવો અને ચેનચાળા બધું મળીને અનર્થને આમંત્રણ આપે છે. આવા કેસમાં સ્ત્રીને પણ દંડ થવો જોઈએ અથવા પુરુષને દંડ ન થવો જોઈએ અથવા ઓછો થવો જોઈએ. કારણ કે તેની કુપ્રવૃત્તિમાં સ્ત્રી પોતે પ્રેરક રહી હોય છે.

6. લાંબો સમય એકાંતમાં સાથે રહેવાથી, વ્યક્તિ નિયંત્રણ ખોઈ બેસે છે. ઇચ્છા ન હોવા છતાં પણ તે ન કરવાનું કરી બેસે છે. એકાંતની માઠી અસર પુરુષની માફક સ્ત્રી ઉપર પણ પડતી જ હોય છે. જો અનર્થોથી બચવું-બચાવવું હોય તો બને ત્યાં સુધી અનિચ્છનીય નર-નારીને એકાંતમાં ન રાખો.

7. કેટલીક વાર ભ્રાન્તમૅસેજથી પણ અનર્થ થતો હોય છે. ભ્રાન્તમૅસેજ એટલે કામોપભોગની ઇચ્છા સ્ત્રીને ન હોય, ન તેવું લક્ષ્ય હોય પણ તેનાં વ્યવહાર, વાણી, હાવભાવ વગેરે એવું હોય કે પુરુષને લાગે કે તે ઇચ્છે છે. આ ખોટો મૅસેજ હોય તોપણ પુરુષને સાચો લાગે અને તે આગળ વધે. અમુક માપથી વધુ આગળ વધ્યા પછી તેને રોકવો કઠિન થઈ જાય છે. આવું પુરુષના દ્વારા સ્ત્રીને પણ ખોટો મૅસેજ મળ્યાનો ભ્રમ થઈ શકે છે. વ્યક્તિ નિર્દોષ હોય પણ જાણતાં-અજાણતાં તે ખોટો મૅસેજ મોકલતો થઈ જાય તો સામેનું પાત્ર અનર્થ કરી શકે છે. એટલે તેવું ન થાય તેની સાવધાની જરૂરી છે.

8. કેટલાક અત્યંત વિકૃત મનોદશાવાળા, સમૂહમાં મળીને કોઈ એકલદોકલ સ્ત્રીને શિકાર બનાવતા હોય છે, આ જઘન્ય અપરાધ છે, અને તેને એવી સજા ફટકારવી જોઈએ કે જેથી બીજાને બોધ પણ મળે.

9. કેટલાક શ્રીમંતોના નબીરા, કેટલાક સત્તાધારીઓના નબીરા, કેટલાક આવારા લફંગા લોકો એવું માની બેઠા હોય છે કે હું કોઈ પણ સ્ત્રીને ભોગવી શકું છું. પ્રત્યેક સ્ત્રીએ મારી ઇચ્છા પૂરી કરવી જ જોઈએ. આવા નીચ માણસો ગામની, મહોલ્લાની, સ્ત્રીઓને ફસાવવાના હલકા પ્રયત્નો કરતા હોય છે. જો કોઈ ન ફસાય તો તેને કળ-બળ-જોર-જુલમ વાપરીને પણ આધીન કરતા હોય છે. આવા અધમ પુરુષોને ક્ષમા ન કરાય. તેમને પણ એવી જ ભયંકર સજા કરવી જોઈએ.

10. કેટલાક લોકો નિશ્ચિત ધર્મ, નિશ્ચિત સમાજ, નિશ્ચિત વર્ગના લોકોને નીચું બતાવવા માટે તેમની સ્ત્રીઓને લક્ષ્ય બનાવી બળાત્કાર કરતા હોય છે. આવા લોકો પણ ભયંકર સજાને પાત્ર હોવા જોઈએ.

11. સૌથી વધુ ભયંકર સજાને પાત્ર તો એ છે જે કુમળી બાળાઓને ફોસલાવી-પટાવીને ચૂંથી નાખતા હોય છે. આવા નરાધમોને ભયંકર સજા કરવી જોઈએ.

12. બળાત્કાર માત્ર પુરુષોના દ્વારા જ થતો હોય છે તેવું માની લેવું ઠીક નથી. કેટલીક વાર તીવ્ર કામાતુર સ્ત્રીઓ પણ પુરુષને ફસાવીને તેની પાસે ધાર્યું કરાવતી હોય છે, એટલે છેડતી કે બળાત્કારનો દોષ કેટલીક વાર સ્ત્રીઓ ઉપર પણ આવે છે.

13. કેટલીક વાર રાજીખુશીથી થયેલા શરીરસંબંધોને પણ બળાત્કારમાં ખપાવી દેવાય છે. જો કામાચાર પકડાઈ જાય અથવા ગર્ભ ધારણ થઈ જાય તો દોષનો બધો ટોપલો પુરુષ ઉપર ઢોળી દેવાય છે. ખાસ કરીને મહિનાઓ કે વર્ષો સુધી ચાલેલા સંબંધોને બળાત્કાર ન કહી શકાય.

14. કેટલીક વાર આબરૂદાર માણસોને બ્લૅકમેઈલ કરીને પૈસા વસૂલવા માટે પણ બળાત્કારનું તરકટ ઊભું કરાય છે. જો આવું થયું હોય તો એ સજા બળાત્કારીને થતી હોય તે જ સજા આવું તરકટ રચનારને પણ થવી જોઈએ. શીલભંગ જેટલો જ અપરાધ આબરૂભંગનો મનાવો જોઈએ.

15. વિશ્વના ઘણા દેશોમાં મેં જોયું છે કે બળાત્કાર થતા જ નથી. જ્યાં કામભૂખ્યાં માણસો રહેતાં ન હોય, જ્યાં સ્ત્રીઓ માન-મર્યાદામાં રહેતી હોય, જ્યાં બળાત્કારની તત્કાળ અને ભયંકર સજા હોય ત્યાં બળાત્કાર થતા નથી અથવા ઓછા થાય છે.

16. જો પુખ્તવયના સમલૈંગિક સંબંધોને અપરાધ ન મનાતો હોય તો પુખ્તવયના વિષમલૈંગિક સંબંધોને અપરાધ કેમ મનાય? પેલું તો સૃષ્ટિવિરુદ્ધનું કર્મ મનાય છે જ્યારે બે નરનારીનું કર્મ તો સૃષ્ટિવિરુદ્ધનું નથી હોતું. આમાં એક અપવાદ હોવો જોઈએ. વિવાહિત નર-નારીને આવી છૂટ ન હોય પણ જે અવિવાહિત હોય (બન્ને) અને સામાજિક-ધાર્મિક કારણસર જે વિવાહિત ન થઈ શકતાં હોય તેવાં એકાકી માણસો પ્રત્યે ઉદારતા રાખવી જોઈએ. તે સમલૈંગિકો કરતાં તો સારાં છે. જો આવાં એકાકી માણસોને સખત નિયંત્રણમાં રાખવાની વ્યવસ્થા થશે તો તેમનો સતત અવરોધાયેલો કામ બધી પાળો તોડી નાખશે. ઘણા અનર્થો થશે. બળાત્કારોની સૌથી મોટી ઘટનાઓ અવરોધાયેલા કામથી થતી હોય છે. જ્યાં બળાત્કારો નથી થતા કે તદ્દન ઓછા થતા હોય છે ત્યાં અવરોધાયેલો કામ પણ નથી હોતો તેવું જણાયેલું છે. કદાચ આ જ કારણસર ચાણક્યે નગરવધૂઓની આવશ્યકતા સ્વીકારી હશે.

17. બળાત્કારનું સૌથી મોટું કરુણ પાસું એ છે કે આબરૂદાર પરિવારો પોતાના સ્ત્રીપાત્ર સાથે આવી ઘટના થઈ હોય તોપણ આબરૂના માર્યા તેને ઢાંકી દેવા પ્રયત્નો કરે છે. જાણે કશું થયું જ નથી. તેવો વ્યવહાર કરે છે. આમ કરવાથી લફંગાઓને પ્રોત્સાહન મળે છે. તે જાણી કરીને તેવું કામ કરવા માટે આબરૂદાર પરિવારની સ્ત્રીને શિકાર બનાવતા હોય છે. જેથી પોલીસકેસથી બચી જવાય. આ કરુણ કમજોરી દૂર કરવી જોઈએ. જેની સાથે બળાત્કાર થયો છે તેનો કશો જ દોષ નથી તેમ છતાં તેનાં માઠાં પરિણામ તેને ભોગવવાં પડે તો તે સામાજિક કે ધાર્મિક કાયરતા જ કહેવાય. કોઈ સર્પ કોઈને ડંખ મારીને ચાલ્યો જાય તેમાં ડંખ ખાનારનો શો દોષ? આવા બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીનો પૂરી ઇજ્જતઆબરૂ સાથે સ્વીકાર કરવો જોઈએ તથા અપરાધીને સખત દંડ અપાવવા તેને હિંમતથી લડી લેવા પ્રોત્સાહન આપવું જોઈએ. જે સ્ત્રીઓને કામ-ધંધા માટે અથવા કોઈ સંસ્થાના કાર્યકર્તા તરીકે અવારનવાર એકલદોકલ બહાર નીકળવાનું થતું હોય તેણે પોતાની રક્ષા માટે કાયદેસરનું કોઈ હથિયાર જરૂર રાખવું જોઈએ—કટાર જેવું શસ્ત્ર તેની કમ્મરે લટકતું હશે તો કોઈ લફંગો તેની નજીક આવવાની હિંમત નહિ કરી શકે. હવે તો રક્ષક સ્પ્રે પણ નીકળ્યાં છે. આવાં સ્પ્રેનો ઉપયોગ કરવાથી લફંગાને રોકી શકાય છે. કશું જ ન મળે તો મરચાંની પોટલી તો જરૂર રાખવી જોઈએ. સાથેસાથે આ બધાનો ઉપયોગ કરવા માટેની હિંમત કેળવવા કરાટે જેવી કળા પણ જરૂર શીખવી જોઈએ. એકલદોકલ કામે જનારી, ભણવા જનારી કે ઘરમાં રહેનારી સ્ત્રીએ વાઘણ જેવા થવાનું છે, હરણી જેવું નહિ. પોતાની રક્ષા માટે જે સમયે જે કાંઈ શક્ય હોય તે બધું કરવાની હિંમત, આવડત અને બુદ્ધિચાતુર્ય જરૂર વિકસાવવું જોઈએ. અબળાને પ્રબળા પણ બનાવી શકાય છે. હવે તો આ જ કરવાનું છે. તમે જ તમારું રક્ષણ કરો. કોર્ટ બહાર અને કોર્ટમાં પણ. પોતાના શિયળનું રક્ષણ કરતાં કદાચ કોઈ લફંગાને હાનિ પહોંચે અને કોર્ટમાં જવું પડે તો ભલે જવું પડે. શિયળભંગની સજા કરતાં કોર્ટની સજા ઓછી જ હશે. પેલી નામોશી કરતાં આ સજા ગૌરવ વધારનારી હશે.

18. સ્ત્રીની તુલનામાં પુરુષનું શારીરિક બળ ઘણું વધારે છે. તેમ છતાં ઈશ્વરે પુરુષને એક બહુ મોટી કમજોરી પણ આપી છે. જો તેનો ઉપયોગ સ્ત્રી કરી શકે તો ગમેતેવા બળવાન પુરુષને પણ હંફાવી શકે છે. તે કમજોરી છે પુરુષના ગુપ્તાંગની સાથે જોડાયેલા અંડકોષ. જો સ્ત્રી એ જગ્યાએ જોરથી લાત મારી શકે અથવા જોરથી હાથમાં દબાવીને મચડી શકે તો ગમેતેવો પુરુષ બૂમો પાડીને બેભાન થઈ શકે છે. જરૂર છે માત્ર હિંમત અને આવડતની.

14-10-09

[આ લેખ સ્વામીજી નાં પુસ્તક વાસ્તવિકતા માંથી લેવામાં આવ્યો છે.]