રામાયણનું ચિંતન પુસ્તક ની પ્રસ્તાવના માંથી સાભાર.

અંગ્રેજો સામે આંદોલનો ચલાવવાં સરળ હતાં, પણ આઝાદ દેશને સાચવવો એ સરળ ન હતું. ગાંધીજીની વિચારધારા આઝાદીના વારસામાં મળી. તેમાં અહિંસાની પ્રધાનતા હતી. આપણને અહિંસાનો નશો ચઢેલો હતો, તેથી સેના અને શસ્ત્રો પ્રત્યે ધ્યાન ન આપ્યું, ઉપેક્ષા જ થઈ. પાકિસ્તાન અહિંસાવાદી ન હતું. તેણે હુમલા શરૂ કરી દીધા. સર્વપ્રથમ તેણે હિન્દુ પ્રજાને તગડી મૂકી. તે લોકો બિનમુસ્લિમોને નાપાક પ્રજા સમજતા હતા. પાકિસ્તાન પાક પ્રજા માટે રચાયું હતું. મોમીનો પાક હતા જ્યારે કાફિરો નાપાક હતા, તેથી પહેલાં તો પાકિસ્તાનને પાક કરવા માટે નાપાક પ્રજાને બને તેટલી તગડી મૂકી.

આપણે ભારતદેશ રચ્યો હતો, હિન્દુસ્તાન નહિ. આપણે બિનહિન્દુઓને નાપાક માનતા ન હતા. આપણે સૌને ઈશ્વરનાં એકસરખાં સંતાન માનતા હતા, તેથી કોઈને ખદેડવાનો પ્રશ્ન જ ન હતો. જે લોકો વધુ સારા જીવન માટે અથવા પવિત્ર પ્રદેશના સ્વપ્ન સાથે સ્વયં ગયા તે ગયા, ન ગયા તે શોખથી રહ્યા.

પાકિસ્તાને પાંચ વાર હુમલા કર્યા: 1. કાશ્મીર, 2. કચ્છ, 3. પંજાબ–કાશ્મીર, 4. બાંગ્લાદેશ અને 5. કારગીલ. પાંચેમાં તેણે કાંઈ ને કાંઈ મેળવ્યું. માત્ર ઈકોતેરમાં તેણે પૂર્વ પાકિસ્તાન ખોઈ દીધું. તે ભાગ ભારતમાં ન ભળ્યો, બાંગ્લાદેશ બન્યો અને પછી ભારતવિરોધી બન્યો. પૂર્વ–ભારતના વિદ્રોહી કૅમ્પો બાંગ્લાદેશમાં બન્યા અને હુમલા થતા રહ્યા. લોકો વિચારતા થયા કે બાંગ્લાદેશ બનાવવા માટે આપણે ભારે મહેનત કરી હતી અને હવે તે જ દુશ્મન થઈ ગયો.

1962માં ચીન સાથે ઘોર પરાજય વેઠ્યો. વિચાર કરતાં જણાયું કે કેમ આમ થયું? એક જ જવાબ છે કે આપણે કમજોર છીએ. ફરી પાછો પ્રશ્ન થાય કે આપણે કમજોર કેમ છીએ? વિચારસરણીના કારણે. જે વિચારો આપણને પરંપરાથી મળ્યા છે તે આક્રમક નથી, સહી લેવાના છે. આપણે સેના અને શસ્ત્રો પ્રત્યે પ્રથમથી જ ધ્યાન ન આપનારી પ્રજા છીએ તેથી વારંવાર હુમલા થતા રહ્યા છે. આપણે હુમલો કરતા નથી તેનું ગૌરવ લઈએ છીએ! પ્રથમ હુમલા વિના વિજય ન હોય. રક્ષા ન હોય તે સૂત્ર માનતા નથી. દુર્ભાગ્ય તો જુઓ કે આપણે વૈચારિક અને આચારિક ભૂલોનું પણ ગૌરવ લઈએ છીએ: “અમે કદી કોઈના ઉપર હુમલો કર્યો નથી.” પણ શક્તિ હોય તો હુમલો કરો ને? અહીં એક આત્મશ્લાઘી બણગાખોર વર્ગ આજે પણ બણગાં ફૂંક્યા કરે છે! “હમ મહાન હૈં! હમારા ધર્મ મહાન હૈ! હમારી સંસ્કૃતિ મહાન હૈ!”, વગેરે–વગેરે. પ્રશ્ન થાય કે તો પછી સેંકડો વર્ષોથી હારતા કેમ રહ્યા? માર ખાતા કેમ રહ્યા? હજી આજે પણ કેમ માર ખાઓ છો? કોઈ જવાબ નથી. બસ, બણગાં જ બણગાં. જે આવ્યો તેણે બણગાં ફૂંક્યાં, પ્રજામાં હવા ભરી અને તાલીઓ વગડાવી. કોઈ ભગવાન થઈ ગયા. કોઈ યુગપુરુષ થઈ ગયા. બધા મહાન જ મહાન થયા. પણ દૃષ્ટિ ફેરવીને જોઈએ તો એકે એવો ન થયો જેણે પ્રજાને બળવાન બનાવી હોય. માત્ર ને માત્ર મારી દૃષ્ટિ ગુરુ ગોવિંદસિંહજી તથા સમર્થ સ્વામી રામદાસની ઉપર ટકે છે. આ બે સિવાય કોઈએ પ્રજાને બળવાન બનાવી હોય કે ઝઝૂમતી કરી હોય તેવું દેખાતું નથી. ગુરુ ગોવિંદસિંહજીના શીખો અને રામદાસજીના મરાઠાઓને બાદ કરીએ તો આપણી પાસે શું રહ્યું? ગુરુ ગોવિંદસિંહજીનો ચમત્કાર તો જુઓ કે તેમણે વાણિયાઓને સરદાર બનાવ્યા (ભાટિયા, મોદી, ખત્રી વગેરે વાણિયા હતા!) અને મોગલ સલ્તનતને હચમચાવતા કર્યા. બીજા કેટલાક ભગવાનોએ ક્ષત્રિયોને શસ્ત્રત્યાગી બનાવી યુદ્ધવિમુખ કરી દીધા. શસ્ત્રત્યાગ અને યુદ્ધવિમુખ કર્યાનું પાછું ગૌરવ લીધું. હવે પ્રજા કમજોર ન થાય તો બીજું શું થાય?

આ આખા ચિંતને મને હચમચાવી મૂક્યો છે. મારું શું ગજું? હું શું કરી શકું? એક જ કામ કરી શકું કે લોકોને, મારી દૃષ્ટિએ જે સાચું છે તે કહી શકું. હું એકલો પડી જાઉં છું. બણગાખોરો મને ધર્મવિરોધી માની બેઠા છે. હું ધર્મવિરોધી નથી, પણ ધર્મ–સંસ્કૃતિ કે અધ્યાત્મના નામે કરેલી ગંભીર ભૂલો બતાવવાનો પ્રયત્ન કરું છું, જે ભૂલોના કારણે આપણે કમજોર થયા છીએ. હવે આપણે કહેવું જોઈએ કે “હમ મહાન નહીં, બીમાર હૈ.” હવે તો બીમારી કૅન્સરની કક્ષાએ પહોંચી ગઈ છે. હવે તો ભાનમાં આવો!

મારી પાસે રસ્તો છે: ફરીથી “ઋષિમાર્ગ” અપનાવો. ફરીફરીને કહેવું પડે છે કે ઋષિઓ બણગાખોર નથી, વાસ્તવવાદી છે, તેથી પ્રજા આ લોક અને પરલોક બન્ને સુધારી શકે છે. ઋષિમાર્ગનો ટૂંકો સાર આ પ્રમાણે છે. આ ઋષિમાર્ગનો સાર છે. જો પ્રજાને આ ઋષિમાર્ગ તરફ વાળી શકાય તો ફરીથી પ્રજા મહાન થઈ શકે. જે આ પાંચેય સામે ઝઝૂમે તે જ મહાન હોય—મહાન થઈ શકે.

પ્રજાને ફરીથી ઝઝૂમતી કરવી છે, ભાગતી નહિ.

આ દૃષ્ટિકોણથી ‘રામાયણનું ચિંતન’ લખવાની પ્રેરણા પ્રાપ્ત થઈ છે. ‘રામાયણ’માં સીતાહરણના પ્રસંગ સિવાય ક્યાંય કોઈ સાધુ દેખાતો નથી, બધા ઋષિઓ જ ઋષિઓ છે. વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, અગસ્ત્ય, ભરદ્વાજ વગેરે બધા જ મહાન ઋષિઓ છે. તે બધાને પત્નીઓ છે. બધા પાસે શસ્ત્રો છે. બધા યુદ્ધો કરે છે, નવાંનવાં શસ્ત્રોની રચના કરે છે, રાક્ષસોથી મુક્તિ અપાવે છે. પ્રજાનું આ મુખ્ય પ્રેરકબળ છે. ઋષિઓ વૈચારિક ભૂમિકા પૂરી પાડે છે.

માનો કે આપણે સૌ આ ઋષિઓના જેવા થઈએ તો દેશ કેવો બને? પછી પ્રજા કમજોર રહે ખરી? આ ઋષિમાર્ગ છે.

તો પછી આપણને કમજોર બનાવનારો માર્ગ શું છે? આવા અનેક નકારોથી પ્રજા છૂટે અને અનેક હકારોથી યુક્ત થાય તો પ્રજા બળવાન બને. બસ, મારા દેશની પ્રજા બળવાન બને એ જ મારું લક્ષ્ય છે.