કચ્છની ધરતીનો મોટો ભાગ રણવિસ્તાર છે. રણ પણ સૂકું રણ. કશું થાય નહિ. જે ધરતી સૂકી હોય છે અને જ્યાં રોજીઓ નથી હોતી ત્યાંની પ્રજા આપોઆપ સ્થળાંતર કરતી હોય છે. જે સ્થળાંતર કરે છે તેનો જ વિકાસ થાય છે, જે બેસી રહે છે તેનું ભાગ્ય પણ બેસી જાય છે. કચ્છમાં માંડવી નામનું બંદર, આ બંદરની સિત્તેર ટકા પ્રજા આજે પણ મનીઓર્ડર ઉપર જીવન જીવે છે. તેમના પરિવારના યુવાનો દેશ-વિદેશમાં નોકરીધંધો કરતા હોય અને વડીલો ઘર સાચવતા હોય, તેમને દર મહિને મનીઓર્ડર કરે. જોકે હવે ઘણું પરિવર્તન થયું છે.

4-10-1857માં જ્યારે ઉત્તરભારત વિદ્રોહથી ધણધણી રહ્યો હતો ત્યારે માંડવીમાં શ્રી કૃષ્ણજીનો જન્મ થયો હતો. તેમનો પરિવાર સામાન્ય હતો, પણ શ્યામજી બચપણમાં જ સંસ્કૃતના શ્લોકો એટલા શુદ્ધ અને મીઠા સ્વરે બોલતા કે લોકો આશ્ચર્યચકિત થઈને સાંભળ્યા કરતા. તેમનાથી પ્રભાવિત થઈને એક શ્રીમંત પુરુષ તેમને મુંબઈ લઈ ગયા. દ્વિતીયાના ચંદ્રનાં દર્શન બધાંને નથી થતાં. પૂનમના ચંદ્રને બધા જોઈ શકે છે. જીવનમાં પણ જે બાળકો ભવિષ્યમાં મહાન થવાના હોય છે તેમને ઘણા લોકો ઓળખી નથી શકતા. કારણ કે તે દ્વિતીયાનો ચંદ્ર હોય છે. પણ કોઈ રડ્યોખડ્યો માણસ દ્વિતીયાના ચંદ્રને ઓળખી શકતો હોય છે.

કૃષ્ણજી મુંબઈ પહોંચ્યા. વિકાસ માટે મોટા શહેરમાં રહેવું હિતાવહ છે. ગામડામાં વિકાસ ન થાય. અરે, પૂરો રોટલોયે ન મળે. શ્યામજી પાઠશાળામાં દાખલ થઈ ગયા અને પાણિનિના વ્યાકરણનું અધ્યયન કરવા લાગ્યા. બીજાં બધાં શાસ્ત્રોનું તલસ્પર્શી અધ્યયન કર્યું. એવામાં મુંબઈમાં સ્વામી દયાનંદજી પધાર્યા. દયાનંદજી જુદા સંન્યાસી હતા. તે પ્રચંડ સુધારક હતા. રૂઢિવાદી ન હતા. તેમણે બાળકના તેજને ઓળખ્યું અને વિદેશ જઈને સંસ્કૃત ભાષાના પ્રચારની સલાહ આપી. શ્યામજીને સલાહ ગમી. જેમ જેમ ક્રમે ક્રમે તમારું નિવાસસ્થાન ઊંચું થતું જાય તેમ તેમ વિકાસની શક્યતાઓ વધતી જાય. માંડવી કરતાં મુંબઈ ઊંચું હતું અને મુંબઈ કરતાં લંડન ઊંચું હતું. શ્યામજીની પ્રતિભા જોઈને એક શ્રીમંત વ્યક્તિએ તેનાં લગ્ન પોતાની દીકરી સાથે કરી દીધાં હતાં. પણ સસરા પાસેથી ધન માગ્યા વિના પોતાના મિત્રો પાસેથી ધન ઉછીનું લઈને તેમાંથી ટિકિટ ખરીદીને તે લંડન પહોંચ્યા. લંડનમાં સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન મોનિયર વિલિયમ્સને મળ્યા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અધ્યયન કાર્ય કરવા લાગ્યા. તેઓ સ્નાતક થયા અને પછી બૅરિસ્ટર પણ થયા. સંસ્કૃતના મહાન વિદ્વાન અને વેદભાષ્ય રચનારા મેક્સમૂલરને પણ મળ્યા. તેમની વિદ્વત્તાથી સૌ પ્રભાવિત થતા હતા.

1885માં તેઓ ભારત પાછા આવ્યા અને રતલામ સ્ટેટના દીવાન થયા, રતલામ સ્ટેટની સારી પ્રગતિ કરી. રાજા તો ધ્યાન રાખે, વહીવટ તો દીવાન જ કરે. કુશળ દીવાન રાજ્યની કાયાપલટ કરી દેતો હોય છે. પછી ઉદયપુરના મંત્રી થયા. આ બધી નોકરીઓમાં અને ઇંગ્લૅન્ડ નિવાસમાં તેમનો સંપર્ક અંગ્રેજો સાથે થયો. તેમને સતત લાગ્યા કરતું કે આપણે ગુલામ છીએ. આ બધા સાહેબ છે. આપણને ઘૃણાની નજરે જુએ છે. સ્વમાન અને ઘૃણા સાથે ના રહી શકે. તેમણે નોકરી છોડી દીધી અને ગુલામીને દૂર કરવા ક્રાન્તિના માર્ગે લાગી ગયા. જૂનાગઢના ગૌરવભર્યા દીવાનપદને લાત મારીને પાછા લંડન આવી ગયા. ક્રાન્તિનાં મૂળ લંડનમાં હતાં, જ્યાંથી ગુલામી શરૂ થઈ હતી. લંડનમાં આવીને તેમણે “ઇન્ડિયા હાઉસ”ની સ્થાપના કરી. જે આગળ જતાં ભારતીય છાત્રો માટે છાત્રાલય થઈ ગયું. પત્ની ભાનુમતી અને શ્યામજી ભારતની આઝાદીની પ્રવૃત્તિમાં ખૂપી ગયાં. વીર સાવરકર, મદનલાલ ધીંગરા, સરદારસિંહ, મૅડમ કામા વગેરે શ્યામજીની કૃતિ ગણાય છે. તેમણે અનેક ક્રાન્તિકારીઓને પેદા કર્યા અને પ્રોત્સાહિત કર્યા. સામયિકો કાઢ્યાં અને જાગૃતિ લાવ્યા.

તેવામાં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. યુરોપ યુદ્ધભૂમિ છે. જેટલાં યુદ્ધો યુરોપની ધરતીએ જોયાં છે તેટલાં બીજી કોઈ ધરતીએ નથી જોયાં. યુદ્ધોના કારણે જ યુરોપ સમર્થ અને સમૃદ્ધ થયું કહેવાય. જ્યાં યુદ્ધો થયાં જ નથી તે ધરતી આજે પણ પછાત છે અથવા ગુલામ છે. યુરોપના યુદ્ધોથી બહુ મોટી ધન-જન ખુવારી થઈ. પણ તેની સવાઈ ભરપાઈ થઈ ગઈ. આજે યુરોપ વિશ્વનો સૌથી સમૃદ્ધ અને સૌથી બળવાન ભાગ છે. જે ખુવારીથી ડર્યા અને ભાગ્યા તે હજી પણ થર્ડવિશ્વમાં ગણાય છે. યુદ્ધ વિનાશ નોંતરે છે તે વાત સાચી પણ આ વિનાશ જ વિકાસનો પાયો બને છે તે વાત પણ તેટલી જ સાચી છે.

બીજા વિશ્વયુદ્ધથી યુરોપ સળગી ઊઠ્યું. હવે બ્રિટનમાં રહી શકાય તેમ ન હતું. તેથી પત્ની ભાનુમતીને લઈને શ્યામજી જીનીવા પહોંચી ગયા. એક સમયના અનેક રજવાડાંનો દીવાન, કરોડપતિ સસરાનો જમાઈ જીનીવાના દૂરના પરામાં એક અંધારી ઓરડીમાં રહેવા લાગ્યા. આવક બધી દેશકાર્યોમાં વાપરી નાખી હતી. અને અહીં કોઈ સહાયક ન હતું. રાષ્ટ્રભક્તિના માર્ગે સેવા કરવા માગનારને ગરીબી ભોગવતાં પણ આવડવું જોઈએ. કરોડપતિની દીકરી ભાનુમતીએ કદી કચવાટ ન કર્યો. “જ્યાં પતિ ત્યાં હું.” તેણે હસતાં હસતાં દરિદ્રતા સ્વીકારી લીધી. દરિદ્રતાની સાથે બીમારી પણ આવી ગઈ. આંતરડાં બગડ્યાં. સતત પ્રતિકૂળ આહાર કરનારને આંતરડાનો રોગ પાછલી અવસ્થામાં થતો હોય છે. બીમારી લાંબી ચાલી, અંધારી ઓરડીમાં એકલાં પતિ-પત્ની, ઓરડીમાં અંધકાર અને જીવનમાં પણ અંધકાર, એક દિવસ વિલાપ કરતી પત્નીને છોડીને શ્યામજી કૃષ્ણ વર્માએ આ ફાની દુનિયામાંથી વિદાય લઈ લીધી.

મોડે મોડે આપણને ભાન થયું અને ક્રાન્તિના આ આદ્યગુરુની તિથિ ઉજવણી શરૂ કરી છે. ચાલો સારું થયું.