પૂર્વ-પાકિસ્તાનમાંથી લાખો હિન્દુ નિરાશ્રિતો પશ્ચિમ બંગાળમાં ઠલવાતા હતા. તે પશ્ચિમ બંગાળમાં રહેતા મુસ્લિમો ઉપર બદલો લેવા તલસતા હતા, તેથી નહેરુજીને ભારે ચિંતા થતી હતી. ઘણા કૉંગ્રેસી સભ્યો પણ હિન્દુ નિરાશ્રિતોના બદલામાં મુસ્લિમોને પૂર્વ-પાકિસ્તાન ધકેલી દેવાની નીતિ અપનાવવા સરદાર પર દબાણ કરતા હતા. પણ નહેરુજી તેના વિરોધી હતા. ભારતના મુસલમાનોને આંચ પણ આવવી જોઈએ નહીં તેવા તેમના સ્પષ્ટ વલણથી ઘણા લોકો તેમના ઉપર નારાજ થયા હતા. પ્રધાનમંડળમાં જ્યારેજ્યારે કોઈ ગંભીર ચર્ચા થતી ત્યારે સરદાર-પક્ષનું વલણ વધુ પ્રભાવી થઈ જતું. સભ્યો સરદારને સાથ આપતા તેથી નહેરુજી વધુ દુ:ખી થતા રહેતા. ફરી પાછા તેમણે રાજીનામું આપીને જેમ ગાંધીજી નોઆખલી ગયા હતા તેમ પોતે પૂર્વ-બંગાળ જવાની તૈયારી બતાવી. નહેરુએ રાજેન્દ્રપ્રસાદને પત્ર પણ લખ્યો. નહેરુજી કોમવાદના સખત વિરોધી હતા, પણ તે હિન્દુ કોમવાદના; મુસ્લિમ કોમવાદને સહી લેવાની વૃત્તિવાળા તે હતા. તેથી પેલો પક્ષ ગમે તે કરે તોપણ આપણે તો શાંત જ રહેવું જોઈએ, બધું ચૂપચાપ સહન કરી લેવું જોઈએ તેવું વલણ ધરાવતા હતા. આ અર્થમાં તે સાચા ગાંધીવાદી હતા. પણ સરદાર અને મોટા ભાગના કૉંગ્રેસીઓ આવું વલણ ધરાવતા ન હતા. તે ઈંટનો જવાબ પથ્થરથી નહીં તો ઈંટથી તો આપવાના મતના હતા. પ્રજા તો નિરાશ્રિતોનાં ટોળાં જોઈને ઊકળી ઊઠી હતી. ભારતમાં રહેલા મુસલમાનોમાં કેટલાક પહેલાં પાકિસ્તાનતરફી હતા, પણ તે ભારતમાં રહી ગયા, પાકિસ્તાન ગયા નહીં. તેમની વફાદારી રાતોરાત બદલાઈ ગઈ હોય તેવું માની લેવાય નહીં. આવી લાગણી પ્રજામાં હતી. નહેરુજીને તો એક જ ચિંતા હતી: બહારથી આવેલા નિરાશ્રિતો અહીંના કોઈ પણ મુસલમાનને હાનિ ન પહોંચાડે. સરદારનું વલણ પ્રજાનું પ્રતિબિંબ પાડતું હતું, કારણ કે તે વાસ્તવવાદી હતા. અંતે ઘણા નિરાશ્રિતોને ધકેલી દીધા પછી ભારત અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીઓની બેઠક થઈ અને એક સમજૂતી કરાઈ. આ સમજૂતીથી ભારતના મુસ્લિમોના હક્કો સુરક્ષિત કરાયા હતા, પણ પાકિસ્તાનના હિન્દુઓની રક્ષા માત્ર કાગળ ઉપર જ રહી હતી. સમજૂતીથી પશ્ચિમ બંગાળની પ્રજા નારાજ હતી. નહેરુજીના બે બંગાળી પ્રધાનો શ્યામાપ્રસાદ મુખરજી અને નિયોગી બંનેએ રાજીનામું આપવા તૈયાર થઈ ગયા. ઘણું સમજાવ્યા પછી પણ તે માન્યા નહીં, રાજીનામાં આપી જ દીધાં. ભારતમાં ખાસ કરીને ગાંધીવાદીઓ હિન્દુઓના ગમેતેવા સાચા વિરોધની પણ પરવા કરતા નથી. તે તરત જ તેને કોમવાદ કહી દે છે. આ એકતરફી વલણથી આજે પ. બંગાળ અને આસામમાં હિન્દુઓ આવનારાં વર્ષોમાં અલ્પસંખ્યક થઈ જાય તો નવાઈ ન પામતા. પ્રશ્નને કાયમી ઉકેલ આપવાનો જ્યારે સામા પક્ષે મોકો આપ્યો હોય છતાં તમે પ્રશ્ન ન ઉકેલો તો તમે કાચા રાજનેતા કહેવાઓ. આવું કાચાપણું એક વાર નહીં અનેક વાર બતાવાયું છે.

ફરીથી કૉંગ્રેસપ્રમુખના પદનો વિવાદ શરૂ થયો. સરદાર અને કૉંગ્રેસીઓનો મોટો ભાગ પુરુષોત્તમદાસ ટંડનને પ્રમુખ બનાવવા માગતા હતા, પણ નહેરુજીને ટંડન ગમતા ન હતા. પછી પાટીલનું નામ આવ્યું તે પણ ન ગમ્યું. નહેરુજીએ ટંડનને રોકવા માટે સરદારને પૂછ્યા વિના જ કૃપાલાણીનું નામ તરતું મૂકી દીધું. આથી સરદારને દુ:ખ થયું. હવે ત્રિપાંખિયો જંગ થયો: 1. ટંડન, 2. શંકરરાવ દેવ અને 3. કૃપાલાણી. દેવ પણ બેસી જવા તૈયાર ન હતા. લોકો ખુલ્લેઆમ આ નહેરુ-સરદારનો જંગ માનતા હતા. નહેરુએ ફરીથી સરદારને ધમકી આપી કે જો ટંડન ચૂંટાશે તો પોતે કામ કરી શકશે નહીં, અર્થાત્ રાજીનામું આપી દેશે. ગાંધીજી વારંવાર ઉપવાસની ધમકી આપતા રહેતા, તો નહેરુજી રાજીનામાની ધમકી આપતા રહેતા. અનેક અનુભવો પછી સરદાર એને પોકળ ધમકી માનતા હતા.

અંતે 29મીએ ચૂંટણી થઈ. મતગણતરી કરતાં તેમાં ટંડન વિજયી થયા. તેમના પોતાના હરીફ કૃપાલાણી અને શંકરરાવ દેવ કરતાં પણ તેમને વધુ મત મળ્યા હતા. આ સરદારનો વિજય હતો. સરદારે રાજાજીને વ્યંગ કર્યો કે નહેરુનું રાજીનામું લાવ્યા છો? પણ નહેરુજીએ રાજીનામું ન આપ્યું. કૉંગ્રેસમાં સરદારનો જ વધુ પ્રભાવ હતો તે અનેક વાર સાબિત થયું હતું. નહેરુજી ગાંધીજીના પ્રભાવથી પ્રધાનમંત્રી બન્યા હતા તે સૌ જાણતા હતા. હવે પક્ષમાં એક વધુ વિરોધીનો ઉમેરો થયો છે તેવું નહેરુજી માનવા લાગ્યા હતા.

કૉંગ્રેસ કારોબારીમાં નહેરુજીએ એક શરતે આવવાની તૈયારી બતાવી—રફી એહમદ કીડવાઈને પણ કારોબારીમાં લેવાય તો જ આવું. સરદાર અને ટંડન બંને આ વાત સ્વીકારવા તૈયાર ન હતા. ફરી પાછી ધમકી અને લાંબો વિવાદ ચાલ્યો, પણ ટંડને કીડવાઈને ના લીધા તે ના જ લીધા. નહેરુજી ચૂપચાપ કારોબારીમાં આવી ગયા.