સરદાર વિશે મેં શરૂઆતમાં જ લખ્યું છે કે આવું વ્યક્તિત્વ હજાર વર્ષમાં એકાદ પેદા થતું હોય છે. તેમના મૃત્યુ પછી તેમને જે માન મળવું જોઈએ તે મળ્યું લાગતું નથી. લોકસભાની લોબીમાં તેમનું ચિત્ર છેક બિનકૉંગ્રેસી સરકાર વખતે મુકાયું. તેમને ‘ભારતરત્ન’ પણ મરણોપરાંત બિનકૉંગ્રેસી સરકારના સમયમાં અપાયો. આવી મહાન વખતના ઉપપ્રધાનમંત્રી હતા. હોદ્દાના અધિકારથી પણ રાજઘાટના અધિકારી હતા. પણ એવું કશું થયું નહીં. તેમના ચાહકો ઘણા હતા, પણ તેમના અવસાન પછી સત્તાનું કેન્દ્ર એક જ હાથમાં સ્થિર થઈ જવાથી બધા તે તરફ વળી ગયા. ગાંધીજી વચ્ચે અને બંને બાજુ નહેરુ-સરદારનું પ્રસિદ્ધ ચિત્ર હતું તેમાંથી સરદારને હટાવી દેવાયા. એક સમય એવો પણ આવ્યો કે દિલ્હીના સત્તાધારીઓની નાખુશીથી લોકો સરદારનાં ગુણગાન ગાતાં પણ ડરવા લાગ્યા. સરદાર જે ભવનમાં રહેતા હતા તેને સંગ્રહાલય બનાવવાની જગ્યાએ વેચી દેવાયું. જાણે કે પૂરા ઇતિહાસમાંથી તેમને ભૂંસી નાખવાના પ્રયત્ન થયા. ગુજરાતના તે સમયના મોટા નેતાઓએ પણ કાંઈ દૃઢ અને મક્કમ અવાજ કાઢ્યો દેખાતો નથી. આ દેશમાં બધી લોકયોજનાનાં નામ ગાંધી-નહેરુવંશથી જોડાય છે. પણ સરદારનું નામ જોડવાની વાત કોઈને સૂઝતી નથી. આટલા મહાન નેતાની આટલી મોટી ઉપેક્ષા અત્યંત પીડાજનક જ કહેવાય. જોકે આજે પણ વિકટ પરિસ્થિતિ વખતે લોકો સરદારને જ યાદ કરે છે. “જો સરદાર હોત તો આવું ન થાત”—એવું લોકો છૂટથી બોલે છે તે જ મોટી શ્રદ્ધાંજલિ કહેવાય.

સરદાર પોતે કદી આદર્શોનાં બણગાં ફૂંકતા નહીં. 32 વર્ષની વયે તે વિધુર થયા, ફરી લગ્ન ન કર્યાં, પણ કદી બ્રહ્મચર્યનો દાવો ન કર્યો કે ઉપદેશ પણ ન આપ્યો. ગાંધીજી બ્રહ્મચર્યનો સતત ઉપદેશ આપતા રહેતા, કેટલીક વાર તો અસ્વીકાર્ય પ્રયોગો પણ કરતા, પણ સરદારે કદી આવું કર્યું નથી. તેમણે સત્ય અને અહિંસાના આદર્શોને પણ વારંવાર ગાયા નથી. જરૂર પડી ત્યારે જૂનાગઢ, નિઝામ, કાશ્મીરમાં સેનાનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ઘણા ઊંચા આદર્શોની વાતો વારંવાર કરવાથી ખરા સમયે તેમાં બાંધછોડ કરવી જ પડતી હોય છે. ત્યારે આદર્શની વાતો ઝાંખી થઈ જતી હોય છે. સરદાર વાસ્તવવાદી ધરાતલના માણસ હતા, તેથી જે કામ હાથમાં લેતા સફળતાપૂર્વક કરી બતાવતા. સરદાર અને નિષ્ફળતા સાથે રહ્યાં જ નથી. પાછલાં વર્ષોમાં ગાંધીજી અને નહેરુજી સાથે મતભેદો થયા હતા જે જગજાહેર વાતો છે. તેમના પ્રધાનમંત્રીપદને ગાંધીજીએ રોક્યું હતું, તેમ છતાં એક અદના અનુયાયી તરીકે તેમણે કશા જ વિરોધ વિના ગાંધીજીના આદેશનો સ્વીકાર કરી લીધો હતો. પાછળનાં 2।।-3 વર્ષ તેમણે બહુ જ માનસિક તાણમાં વિતાવ્યાં હતાં. ગાંધીજી ઉપવાસ ઉપર ઊતર્યા તે આડકતરી રીતે સરદાર સામે જ હતા તેવું બધા બોલતા હતા. સરદારે હૃદય ઉપર પથ્થર મૂકીને આ બધું સહન કર્યું હતું. સરદારનાં બીજાં બધાં કાર્યોને જવા દેવામાં આવે અને માત્ર દેશી રજવાડાંઓને ભારતમાં ભેળવવાનું એક જ કાર્ય ગણવામાં આવે તોપણ તે અદ્વિતીય જ કહેવાય. લોકો કહે છે કે કોઈની ખોટ પડતી નથી. કોઈના વિના કામ અટકતું નથી. પણ ખરેખર ભારતના રાજકારણમાં જો કોઈની ખોટ પડી હોય તો તે માત્ર સરદાર, સરદાર અને સરદારની જ પડી છે. આટલાં વર્ષો પછી પણ તે ખોટ પુરાઈ નથી. મારી દૃષ્ટિએ તેમની સામે બીજા ત્રાજવામાં તોળી શકાય એવો કોઈ નેતા થયો નથી. અવસાન પછી તેમના બૅન્ક ખાતામાં પૂરા 300 રૂપિયા પણ ન હતા. વિદેશોમાં કાળું ધન જમા કરાવનારા તેમના પગરખામાં પગ ન મૂકી શકે. તેમણે હંમેશાં મહત્ત્વનાં પદો ઉપર દેશભરમાંથી વીણી-વીણીને યોગ્ય વ્યક્તિઓને ચૂંટી હતી. પોતાના પુત્ર ડાહ્યાભાઈ કે બીજા માણસો માટે કદી કોઈ મહત્ત્વનું પદ શોધ્યું ન હતું. પછી તો ભયંકર પરિવારવાદ ચાલ્યો જે હજી પણ ચાલી રહ્યો છે. લોકશાહી અને પરિવારવાદનો મેળ ન હોય, પણ આપણે ત્યાં આ મેળ જામ્યો છે. સરદાર આવાં બધાં અનેક દૂષણોથી સર્વાંગ બચ્યા હતા. ઉપરનો માણસ નીચેના માણસને પ્રેરણા આપતો હોય છે. તેમના પછી ઉપરના માણસોમાં આવું પ્રેરક બળ ન રહ્યું. તેથી સત્તાલોલુપતા, ધનલોલુપતા, પરિવારવાદ, વગેરે અનેક અનિષ્ટો ભોરિંગ થઈને દેશને ડંખી રહ્યાં છે.

આવા મહાન સરદારની સર્વોચ્ચ ઊંચાઈ ધરાવતી મહાન પ્રતિમા સ્થાપવાનું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રબાઈ મોદીએ હાથ ધર્યું છે, તે કાર્ય જ્યારે પૂરું થશે ત્યારે એક ભવ્ય શ્રદ્ધાંજલિ કહેવાશે. મારી દૃષ્ટિએ સરદાર ઉપર કલમ ચલાવનારા ઘણા લોકોએ તેમને પૂરો ન્યાય આપ્યો નથી. તેમણે જે કાંઈ અદ્ભુત કાર્ય કર્યું તેનાં ગીતો તો લોકો ગાય છે પણ તે બાંધેલા હાથે કર્યું તે વાતને ગૌણ બનાવી દે છે. જો તેમના હાથ ખુલ્લા રહેવા દીધા હોત તો કદાચ આજે ભારતને પીડતા અનેક વણઉકેલાયેલા પ્રશ્નો ઊકલી ગયા હોત. સરદારના અવસાન પછી આપણે જોયું છે કે ભારતનો એક પણ સળગતો પ્રશ્ન ઉકેલાયો નથી. કાશ્મીરનું કોકડું વધુ ગૂંચવાયું છે. ચીન છેક અંદર ઘૂસી આવ્યું હતું અને ફરીથી ઘૂસી આવવાનો ભય બતાવે છે. પાકિસ્તાને ચાર વાર આક્રમણો કર્યાં છે. પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં હિન્દુઓને લગભગ નામશેષ કરી દેવાયા છે. હવે તો બાંગ્લાદેશી મુસ્લિમોનાં ધાડાં ભારતના વસ્તીસંતુલનને બગાડી રહ્યાં છે. માઓવાદ અને નક્સલવાદને નાથી શકતો નથી. સરકાર તેમની આગળ રાંક થઈ ગઈ છે. ઇસ્લામિક આતંકવાદ પાર્લમેન્ટ અને મુંબઈ ઉપર બેફામ હુમલા કરે છે પણ કશો જ મુંહતોડ જવાબ આપી શકાતો નથી. સીમાપારનો આતંકવાદ લોકજીવનને ભયભીત કરી રહ્યો છે. ડુપ્લીકેટ કરન્સીઓને બિન્દાસ્ત રીતે ભારતમાં ઘુસાડવામાં આવે છે. કશું કરી શકાતું નથી. જોકે હવે ચરખાનો મોહ ભાંગી ગયો છે તેથી ઔદ્યોગિક વિકાસ ઠીકઠીક થવા લાગ્યો છે. પણ ભારતની એકંદર છબિ કોઈ દુર્બળ રાષ્ટ્ર જેવી કરી મુકાઈ છે. તુષ્ટિકરણની નીતિ વોટબૅન્ક બની રહી છે, પણ તેથી પ્રજાનું વિભાજન થઈ રહ્યું છે તે નથી દેખાતું. આવી કપરી પરિસ્થિતિનું મૂળ કારણ દુર્બળ હાથોમાં આવેલું રાજકારણ જ કહેવાય. જો સરદારને પ્રધાનમંત્રી થવા દેવાયા હોત અને તેમનાં મક્કમ પગલે દેશ ચાલ્યો હોત તો દેશને આ દશા ભોગવવી ન પડત. તેમની બીમારીમાં શારીરિક કરતાં માનસિક કારણ પ્રબળ હતું. સતત વિરોધ અને ઉપેક્ષા અને છેવટે ઘૃણાભર્યા વાતાવરણમાં તે જીવતા રહ્યા. તે જ તેમની ખરી બીમારી હતી. એક દિવસ આવશે જ્યારે ભારતના લોકો તેમને પૂરેપૂરો ન્યાય આપશે. અતિમહાન સરદારને પશ્ચાત્તાપથી વંદન કરશે.

15-12-11