સરદાર વિશે મેં શરૂઆતમાં જ લખ્યું છે કે આવું વ્યક્તિત્વ હજાર વર્ષમાં એકાદ પેદા થતું હોય છે. તેમના મૃત્યુ પછી તેમને જે માન મળવું જોઈએ તે મળ્યું લાગતું નથી. લોકસભાની લોબીમાં તેમનું ચિત્ર છેક બિનકૉંગ્રેસી સરકાર વખતે મુકાયું. તેમને ‘ભારતરત્ન’ પણ મરણોપરાંત બિનકૉંગ્રેસી સરકારના સમયમાં અપાયો. આવી મહાન વખતના ઉપપ્રધાનમંત્રી હતા. હોદ્દાના અધિકારથી પણ રાજઘાટના અધિકારી હતા. પણ એવું કશું થયું નહીં. તેમના ચાહકો ઘણા હતા, પણ તેમના અવસાન પછી સત્તાનું કેન્દ્ર એક જ હાથમાં સ્થિર થઈ જવાથી બધા તે તરફ વળી ગયા. ગાંધીજી વચ્ચે અને બંને બાજુ નહેરુ-સરદારનું પ્રસિદ્ધ ચિત્ર હતું તેમાંથી સરદારને હટાવી દેવાયા. એક સમય એવો પણ આવ્યો કે દિલ્હીના સત્તાધારીઓની નાખુશીથી લોકો સરદારનાં ગુણગાન ગાતાં પણ ડરવા લાગ્યા. સરદાર જે ભવનમાં રહેતા હતા તેને સંગ્રહાલય બનાવવાની જગ્યાએ વેચી દેવાયું. જાણે કે પૂરા ઇતિહાસમાંથી તેમને ભૂંસી નાખવાના પ્રયત્ન થયા. ગુજરાતના તે સમયના મોટા નેતાઓએ પણ કાંઈ દૃઢ અને મક્કમ અવાજ કાઢ્યો દેખાતો નથી. આ દેશમાં બધી લોકયોજનાનાં નામ ગાંધી-નહેરુવંશથી જોડાય છે. પણ સરદારનું નામ જોડવાની વાત કોઈને સૂઝતી નથી. આટલા મહાન નેતાની આટલી મોટી ઉપેક્ષા અત્યંત પીડાજનક જ કહેવાય. જોકે આજે પણ વિકટ પરિસ્થિતિ વખતે લોકો સરદારને જ યાદ કરે છે. “જો સરદાર હોત તો આવું ન થાત”—એવું લોકો છૂટથી બોલે છે તે જ મોટી શ્રદ્ધાંજલિ કહેવાય. […]