[ સ્વામીજી ની નવા પુસ્તક વાસ્તવિકતા માંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે.]

૧. જીવનનું લક્ષ્ય સૂખી થવાનૂં છે.
૨. સૂખનું મૂળ છ જગ્યા એ છે: ૧. ભૌતિક સગવડોમાં, ૨. સાંસારીક સુખોમાં, 3. રાજકીય સુરક્ષામાં, ૪. સામાજિક ઉદારતામાં, ૫. આર્થીક સધ્ધરતામાં અને ૬. ધાર્મિક સમાનતામાં.
૩. જેને આ છયે અનુકુળતાઓ મળી છે, તે સર્વોચ્ચ સુખી છે. ધન્ય છે. તેને અહીંજ સ્વર્ગ છે.
૪. જેને આ છની પ્રતિકુળતા મળી હોય તે ભારે દુઃખી હોય છે. તેને અહીંજ નરક છે.
૫. આ સુખો મેળવી શકાય છે. ઘટાડી-વધારી શકાય છે.
૬. જે પોતાને સુખી કરે છે તેને પુરુષાર્થી માનવ કહેવાય.
૭. જે પોતાની સાથે બીજાને પણ સુખી કરે તે સંત કહેવાય.
૮. જે પોતે દુખી થઈને પણ બીજાને સુખી કરે તે મહાસંત છે. તે પૂજ્ય છે, વંદનીય છે.
૯. જે સંતના વેશમાં હોય પણ બીજાને દુખી કરતો હોય તો તેપૂજ્ય કે વંદનીય ન ગણાય.

૧૦. વેશ આધારિત સંત ન હોય પણ ગુણકર્મ-આધારિત હોય.
૧૧. વેશ-આધારિત સાધુ હોય. બધા સાધુઓ સંત નથી હોતા. સેંકડે કદાચ એકાદ હોય.
૧૨ સંતને સંત જ પારખી શકે. જાણી શકે, માણી શકે અંદ નાણી શકે.
૧૩. દર્શનપ્રેમી જ દર્શન પામી શકે. પ્રદર્શનપ્રેમી પ્રદર્શનમાં રાજી થાય.
૧૪. દર્શન અંદ પ્રદર્શન સાથે ન રહે. કાં દર્શન કાં પ્રદર્શન હોય.
૧૫. ભૌતિક સુખો એ પ્રાથમિક સુખો છે અને જીવન માટે જરૂરી છે.
૧૬. ભૌતિક સુખો, સગવડોથી મળતાં હોય છે.
૧૭. સગવડો સૌને ગમે છે. સૌ સગવડો ખોળે છે.
૧૮. અગવડો કોઈને ગમતી નથી. અગવડોથી બધા દૂર રહે છે.
૧૯. સગવડો વિજ્ઞાનથી આવતી હોય છે.
૨૦. વિજ્ઞાન, પ્રયોગશાળામાંથી આવતું હોય છે.
૨૧. પ્રયોગશાળા – પ્રજાના અભિગમમાંથી આવતી હોય છે.
૨૨. જે પ્રજા અતિશય ધાર્મિક હોય છે, તે મંદિરો બાંધે છે. પ્રયોગશાળાઓ નથી બાંધતી.
૨૩. આવી પ્રજા વૈજ્ઞાનિકો પેદા નથી કરતી, સાધુ-બાવાઓ પેદા કરે છે.
૨૪. વૈજ્ઞાનીક દ્રષ્ટિવિનાના સાધુ-બાવાઓ પ્રજાને વધુ ચુસ્ત અને રૂઢિવાદી બનાવતા હોય છે. જેથી પ્રજા પછાત થઈ જતી હોય છે.
૨૫. ધર્મ અને વિજ્ઞાન નો સુમેળ થવો જોઈએ.
૨૬. વિજ્ઞાન વિનાનો ધર્મ અંધશ્રદ્ધા પેદા કરે છે.
૨૭. ધર્મ અને વિજ્ઞાનનો મેળ કરવાથી ધર્મ અને વિજ્ઞાન બન્ને પ્રજા માટે કલ્યાણકારી બને છે.
૨૮. એકલું વિજ્ઞાન, નાસ્તિકતા પેદા કરી શકે છે. ક્રૂરતા અને માનવસંહાર કરતુ થઈ શકે છે. ધર્મના મેળથી તે કલ્યાણકારી થઇ શકે છે.
૨૯. ધર્મ અને વિજ્ઞાન, શ્રધ્દ્રા અને સંશોધનને કોઈ વિરોધ ન હોવો જોઈએ. બન્ને સત્ય ને શોધે છે.
૩૦. આજે આપણે જેટલી સગવડો ભોગવીએ છીએ તે બધી વિજ્ઞાને આપી છે. એટલે લગભગ બધી સગવડો પશ્ચિમથી આવી છે. કારણ કે વર્તમાન વિજ્ઞાન પણ પશ્ચિમથી આવ્યું છે.
૩૧. પશ્ચિમના લોકો સુખવાદી રહ્યા છે. જેને આપને ભોગવાદી કહીએ છીએ.
૩૨. તેથી તે નવીનવી સગવડો શોધ્યા કરે છે. જે વિજ્ઞાનથી પ્રાપ્ત થાય છે.
૩૩. અગવડોને દૂર કરીને જ સગવડો વિકસાવાય છે. તેથી અગવડો દૂર કરો, તે તેમનું દર્શન રહ્યું છે.
૩૪. આપણે અગવડોને સહન કરી લેવાનું દર્શન ધરાવીએ છીએ. જેથી સદીઓ-જૂની અગવડો સહન કર્યા કરીએ છીએ.
૩૫. સગવડો ઉપર કદી પૂર્ણવિરામ હોતું નથી. પ્રત્યેક નવી સગવડ થોડા સમય પછી જૂની થઇ જાય છે. જેથી સગવડોનો નવો મોડેલ નીકળે છે, આ સતત ચાલનારી પ્રક્રિયા છે.
૩૬. સગવડોનો વિરોધ કરનારા, સુખોનો વિરોધ કરતા હોય છે.
૩૭. આવી સુખવિરોધી પ્રજા નવી શોધો કરી શકાતી નથી.
૩૮. પછાતપણું શોષણ વિનાનું હોતું નથી.
૩૯. શોષિત પ્રજા કદી સુખી ન હોય. કદી બળવાન ન હોય.
૪૦. ધર્મ પ્રમાણેનાં ભૌતિક સુખોને ભોગવવા એ પાપ નથી.
૪૧. પાપ તો ત્યારે લાગે જયારે અધર્મ-અનીતિનાં દ્વારા કોઈના પડાવેલા સુખો ભોગવવામાં આવે.
૪૨. ભૌતિક સુખોનો ત્યાગ કરવાથી પુણ્ય થતું નથી. ચંપલ કે જોડાં નાં પહેરવા માત્રથી કોઈ પુણ્યાત્મા થઇ જતો નથી. તે દુખી થાય છે, પોતાની ગેરસમજ કે અજ્ઞાનથી.
૪૩. ભૌતિક સુખોને ભરપુર ભોગવનારી પ્રજા સમૃદ્ધ હોય છે. તે વધુ લોકોને રોજી પૂરી પાડતી હોય છે.
૪૪. રોજીઓ વધારવી એ પુણ્યકાર્ય કહેવાય. કોઈ બેકારને રોજીએ વળગાડવો તે ખરો યજ્ઞ કહેવાય.
૪૫. રોજીઓ, પ્રજાના વૈભવમાંથી ઉત્પન્ન થતી હોય છે.
૪૬. જેટલો વૈભવ વધારે તેટલી ખરીદી વધારે.
૪૭. જેટલી ખરીદી વધારે તેટલી રોજીઓ વધારે.
૪૮. જેટલી રોજીઓ વધારે તેટલી બેકારી ઓછી.
૪૯. જેટલી બેકારી ઓછી તેટલી ચોરી-લૂંટ વગેરે ઓછી.
૫૦. જેટલા ચોરી-લૂંટ વગેરે અપરાધો ઓછા તેટલી જ પ્રજા વધુ સુખી.
૫૧. સાદાઈ સારી વસ્તુ છે, પણ તે વાણી અને વ્યવહારની
૫૨. જે લોકો માત્ર વસ્ત્રો અને જીવનધોરણની સાદાઈ રાખે છે, પણ વ્યવહારમાં કુટિલતા રાખે છે, તે સાચી સાદાઈ નથી.
૫૩. વસ્ત્રો અને જીવનધોરણની સાદાઈથી વધુ માણસોને રોજીઓ મળતી નથી.
૫૪. પ્રજાનું ખર્ચાળપણું અંતે તો કોઈને રોજી આપે છે.
૫૫. શક્તિ બહારનો ખર્ચો કરવો નહિ, તેથી દેવું વધશે. દેવાદાર માણસ કદી સુખી ન હોય.
૫૬. પોતાની ઓખાતને સમજવી. પછેડી કરતાં પગ ટુંકા રાખવા. આવક કરતા જાવક ઓછી હોય તે સુખી થાય.
૫૭. આવક વધારવાના સાચા પ્રયત્નો કરવા તે પાપ નથી. દોષ નથી. કરવા જ જોઈએ.
૫૮. ભૌતિક સુખોનાં પાંચ ક્ષેત્રો છે. ૧. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને અંતરીક્ષ. એ પાંચે દ્વારા મળતાં સુખો શક્યતા અને સામર્થ્ય હોય તેટલાં ભોગવવા.
૫૯. પૃથ્વીનું સુખ – સારી ફળદ્રુપ ભૂમિમાં રહેવું. સારા પાડોશીવાળા ભદ્રમહોલ્લામાં રહેવું. સારાં હવા-ઉજાસવાળા મકાનમાં રહેવું, સારા બાગ-બગીચાવાળા ફાર્મ-હાઉસમાં રહેવું વગેરે. આ બધું હકનું નીતિનિયમથી મળ્યું હોય તો તેને ભોગવવામાં કોઈ દોષ નથી.
૬૦. જળ નું સુખ એ છે કે જ્યાં મીઠું, સ્વાદીષ્ટ, આરોગ્યપ્રદ અને મબલક પાણી હોય ત્યાં રહેવું. પાણીનો જરાય કકળાટ ન હોય, એવી બોર, પંપ, ટાંકી, સ્વીમીંગ-પૂલ વગેરેની સગવડો કરાવવી તે જળસુખ છે.
૬૧. અગ્નિસુખ એ છે કે જ્યાં પર્યાપ્ત વીજળી હોય, ગેસ હોય, સમશીતોષ્ણ ઋતુઓ હોય, અતીશય ગરમી ન હોય, લૂ ન હોય, ખેતી ને પુરતી ગરમી મળી રહે જેથી ગ્રીન-હાઉસ કરવા ન પડે. આવી રીતે અગ્નિનાં સુખો હોય છે, આનાથી વિપરીત હોય તો અગવડો થઈ કહેવાય.
૬૨. વાયુંનું સુખ એ છે કે, જ્યાં આંધી-તોફાન, વંટોળિયા ન આવતા હોય. પંખા અંને AC હોય. આખા ઘરમાં ઠંડક હોય, આ વાયુનું સુખ છે. તેનાથી વિપરીત હોય તો અગવડો થાય અને લોકો દુખી થાય.
૬૩. અંતરીક્ષનું સુખ એ છે કે ઇચ્છા પ્રમાણે જવા-આવવા માટે વાયુયાન હોય. પોતાનું વાયુયાન હોય, અંતરીક્ષ થી રેડીઓ, ટી.વી., ટેલિફોન, મોબાઈલ વગેરેની પૂરેપૂરી સગવડ હોય તો તે અંતરીક્ષ સુખ છે.

આ સગવડોથી થનારાં સુખો વિજ્ઞાનને આધીન છે. અને વિજ્ઞાન સતત વિકસતું જ રહે છે એટલે નવીનવી સગવડો વિકસવાની જ છે, તેનો સ્વીકાર કરવો, તેને પચાવવી એ અર્થમાં કે પ્રત્યેક વસ્તુનો સદુપયોગ-દુરૂપયોગ થતો જ હોય છે, આ બધાના દુરુપયોગથી બચવું અને સદુપયોગ કરવો – એ પચાવવું છે.