[ સ્વામીજી ના પુસ્તક શિવતત્વ નિર્દેશ માંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે. ]

પરમકલ્યાણનું નામ શિવ છે. પરમાત્મા માત્ર અસ્તિત્વરૂપ જ નથી પણ અનેકવિધ કરુણ તથા મંગલોથી પણ યુક્ત છે. વેદાન્ત તેને માત્ર અસ્તિત્વરૂપ જ માને છે, અસ્તિત્વ સિવાય તેમાં કોઈ ગુણ, શક્તિ, ક્રિયા વગેરે કાંઈ જ નથી. પરમાત્મા માત્ર અસ્તિત્વરૂપ જ હોય તો તેના હોવાથી કે ન હોવાથી કશો ફેર પડતો નથી, બલકે હોવા કરતાં ન હોવો વધુ સારો. એટલા માટે આવો પરમાત્મા એ પરમાત્મા નહિ, તેની ભ્રાંતિ માત્ર છે. ગીતાનો ભગવાન (બધાં શાસ્ત્રોનો પણ) અનંત ગુણોથી ભરપુર છે. તે બતાવવા તેનું નામ શિવ રાખ્યું, શંકર રાખ્યું છે. અર્થ બંને નો એક જ છે. એટલું યાદ રાખવાનું કે પ્રત્યેક ગુણ પણ દોષ બની જાય છ, જેમ વિવેક વિના અમૃત પણ ઝેર બની જાય છે. ઉદાહરણ તરીકે માનો કે કોઈ બહુ દયાળુ છે. તેનાથી જીવોની હિંસા જોઈ જતી નથી. જીવો માટે તેને પુષ્કળ દયા છે. દયા બહુ મોટો સદગુણ થયો, ધર્મનો આધાર થયો, પણ જો તેનો અતિરેક થાય અને વિવેક વિના વિનિયોગ થાય તો તે અનર્થ પણ કરાવે. આવા દયાળુ લોકોની દયાનો ખોટો લાભ ઉઠાવવા માટે કેટલાક કસાઈ લોકો જાની કરીને તેમની દુકાન આગળથી પાંચ-પચીસ બકરાં હાંકીને લઇ જાય, કતલખાને કતલ કરવા માટે. પેલી દયાળુ વ્યક્તિને દયાનો ઉભરો આવે, બકરાંને છોડાવવા માટે પેલા કસાઈને વિનવે, પછી રકમ આપવા તૈયાર થાય, છેવટે બમણા-ચારગણા પૈસા આપીને બકરાં છોડાવે. જીવો બચાવ્યાનો આંનદ માણે, ધર્મ કર્યાનો સંતોષ માને. પેલો કસાઈ ચારગણા નાણા લઈને રાજી થતો થતો વિદાય થાય, એ જ પૈસાથી બીજા દિવસે ચારગણા બકરાં લઇ આવે. હવે શું કરવું? આવા પ્રસંગે પૈસા આપીને છોડાવવા કરતાં ઉપેક્ષા કરવી વધુ વ્યવહારુ લાગે છે. માણસની નિષ્ઠા ગમે તેટલી ઉત્તમ હોય તોપણ તેના વ્યવહારિક પક્ષને ધ્યાનમાં રાખવો જ જોઈએ. એટલે પ્રત્યેક ગુણ ત્યારે જ સદગુણ બને છે, જયારે વિવેકપૂર્વક તેનો વિનિયોગ કરવામાં આવ્યો હોય. વિવેકપૂર્વકના વિનિયોગથી તો કામ-ક્રોધ-લોભાદિ દોષો પણ દોષ નહિ, ગુણ થઇ જાય છે. એટલે ભગવાન સર્વતોભાવથી શિવસ્વરૂપ છે તે બતાવવા તેમનું નામ શિવ રાખ્યું છે.

શિવનું માનવીય સ્વરૂપ

વિશાળ જટાઓ, જટાઓમાં ગંગાજી, માથા ઉપર ચંદ્ર, કપૂર જેવો શુભ્ર દેહ, યોગીની માફક અર્ધબીડેલી આંખો, ગળામાં ફણીધર સર્પ, નીલકંઠ ભસ્માંગદાગ, વાઘામ્બર, ત્રીજું નેત્ર, કોઈવાર હાથીનું ચર્મ ધારણ કરેલું, ડમરું, ત્રિશુળધારી: આવું ભવ્ય મસ્ત સ્વરૂપ ભગવાન શિવનું કલ્પવામાં આવ્યું છે. આટલું યાદ રાખજો કે શ્રીકૃષ્ણ જેમ ‘પ્રેમ’ ગુણનું મૂર્તરૂપ છે, તેવી જ રીતે પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાન-વૈરાગ્ય ગુણોનું મૂર્ત સ્વરૂપ મહાદેવ છે. જ્ઞાન અને વૈરાગ્યની સંયુક્ત મૂર્તિ બનાવવાની હોય તો તે મહાદેવની જ બનાવાય. આપને ત્યાં લગભગ બધાં જ શાસ્ત્રોના આદિ પ્રવક્તા મહાદેવ છે. બ્રહ્મવિદ્યાના દક્ષિણામૂર્તિ (મહાદેવનું જ એક નામ). વ્યાકરણ, સંગીત, નૃત્ય, ભાગવત, રામાયણ, યોગ વગેરે બધાંજ શાસ્ત્રો ના આદિગુરુ મહાદેવ છે, કારણ કે તેમને જ્ઞાન-વૈરાગ્યના પ્રતિક માન્યા છે.
ભગીરથે ગંગા ઉતારી તેનો આધ્યાત્મિક ભાવ આવો છે. સ્વર્ગની ગંગા એ સુપરજ્ઞાન છે. બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાન, આધ્યાત્મિકજ્ઞાન યા પરાવિદ્યા ઉપરથી (ઉર્ધ્વ ભૂમિકાએથી) આવતી હોય છે. સંસારિક જ્ઞાન યા અપરાવિદ્યા અધોજ્ઞાન માન્યું છે. પેલી પરાવિદ્યારૂપી ગંગા સૌ કોઈના ઉપર ન પધારી શકે. વૈરાગ્યના આધાર વિના જ્ઞાન (પરાવિદ્યા) ટકી ન શકે. વૈરાગ્ય જ્ઞાનનું કવચ છે, વૈરાગ્યના આધાર વિનાનું જ્ઞાન એ બજારુ જ્ઞાન છે, તે પરાવિદ્યા ન કહેવાય. એક પ્રોફેસર, વકીલના જ્ઞાનમાં તથા એક મહાત્માના જ્ઞાનમાં આ જ મુદ્દાનોભેદ છે, એકનો હેતુ ઉદરભરણ છે, બીજાનો હેતુ આત્મકલ્યાણ છે. એટલે જ્ઞાનગંગાથી યુક્ત મહાદેવ છે, તેનો આધાર વૈરાગ્યથી ભરપુર જટાઓ છે.

ચંદ્રશેખર

ભગવાન શંકરના મસ્તક ઉપર દ્વિતીયાનો ચંદ્ર શોભી રહ્યો છે. એટલે તેમનું નામ ચંદ્રશેખર છે. લોકો દ્વિતીયાની સાંજે ચંદ્રદર્શન કરતા હોય છે. ચંદ્રદર્શન કર્યા પછી પોતાના હાથનાં દર્શન – હથેળીનાં દર્શન કરતા હોય છે. ચંદ્ર અને તે પણ દ્વિતીયાનો નાની સરખી રેખા જેવો ચંદ્ર, જે બહુ ધ્યાનથી જુઓ તો દેખાય, નહિ તો દેખાય પણ નહિ; અને રહે પણ થોડી જ વાર, આખી રાત રહે પણ નહિ, તેવો ચંદ્ર મહાદેવનાં મસ્તક ઉપર રાખવા પાછળ બે હેતુઓ છે. ૧. દ્વિતીયાનો ચંદ્ર, ઉદીયમાન, વર્ધમાન છે. દિવસે દિવસે વધતો જવાનો છે, અને ૨. તે પુરુષાર્થ
નું પ્રતિક છે. ચંદ્ર જોઈને પોતાનો હાથ જોવાનો છે. બીજાનું મોઢું જોવાનું નથી. જે પોતાનો હાથ જુએ છે, તેને લાચાર આંખોથી બીજાના મોઢાં નથી જોવાં પડતાં. આ નાના ચંદ્રને નાનો ના સમજતા, તેમાં પૂર્ણિમાના ચંદ્રની સોળ કળાએ પહોંચવાની ક્ષમતા ભરેલી છે.

ત્રિનેત્ર

મહાદેવ ને ત્રણ નેત્ર છે. આપણને બધાને પણ ત્રણ નેત્ર છે. પણ આપણે ત્રીજું નેત્ર ખોલી શક્યા નથી એટલે દેવ પણ નથી, મહાદેવ થવાની વાત દૂર જ રહી. મહાદેવે ત્રીજું નેત્ર ખોલ્યું છે, એટલે તેઓ ‘સ્મરહર’, ‘કામારિ’ વગેરે નામોથી પણ ઓળખાય છે. તમને ખબર હશે, કામદેવે મહાદેવની સમાધીમાં ભંગ કરવા માંડ્યો હતો. પ્રત્યેક ધ્યાન, સમાધી, જપ, તપ, ઉપાસનામાં ભંગ પડાવવાનું કામને વ્યસન છે. તમે આખો દિવસ બીજું કાંઈ કામ કરતા રહો, કામ બહુ નહિ સતાવે. પણ જો માળા લઈને બેઠા કે ધ્યાન કરવા બેઠા તો ભાઈસાહેબ વગર બોલાવ્યે પહોંચી જવાના. તમને કલ્પનાતીત રમતો તે રમવાના. તમે ત્રાસી જશો, કંટાળી જશો એ કામદેવ થી, કારણ કે ધ્યાનમાં ભંગ પડાવવાનું તેને વ્યસન છે, મહાદેવ પણ ધ્યાન-સમાધીમાં તન્મય હતા અને કામદેવે હરકતો કરવા માંડી. અંતે મહાદેવ જાગ્યા, પણ ત્રીજી આંખથી જાગ્યા. તેમણે ત્રીજી આંખ ઉઘાડી લાલ-લાલ ચોળ જેવી, હજારો સર્ચલાઈટ જેવી, અગ્નિથી ધખધખથી. એ નેત્ર ઉઘડતાં જ કામ બળીને ખાખ થયો. બાળનારો પોતે બળી ગયો; જ્ઞાન-વૈરાગ્યને ત્યાં સુધી અમૃતત્વની પૂર્ણ અનુભૂતિ નથી થતી જ્યાં સુધી તેણે બીજા નેત્ર દ્વારા કામ-વાસનાનો ક્ષય ન કરી નાખ્યો હોય. યોગ પ્રક્રિયામાં ‘આજ્ઞાચક્ર’ ને તૃતીય નેત્ર કહેવાય છે. આ ચક્રનું ભેદન થતાં જ યોગી કામકલેશથી પર થઇ જાય છે. પછી તેનાં જ્ઞાન-વૈરાગ્ય નિર્ભય બને છે. તે બતાવવા તૃતીય નેત્ર બતાવ્યું છે.

સર્પ

વિષ્ણુનો હાર વૈજંતીમાલા છે. બીજા પણ જાત જાતના હાર વિષ્ણુ પહેરે છે. પણ મહાદેવને તો સર્પનો હાર છે. કાલકૂટ વિષ ભરેલો નાગ તેમના ગળામાં ફેણ ચઢાવીને બેઠો છે. સર્પ સાક્ષાત કાળ નું પ્રતિક છે. સર્પ એટલે મૃત્યુ, સૌ તેનાથી દૂર ભાગે, પણ મહાદેવે તે જ મૃત્યુને પોતાના ગળાનું ભૂષણ બનાવ્યું છે, કારણ કે મૃત્યુનું મુખ્ય સ્થાન પણ ગળું છે. તે ગળા ઉપર જ પેલા કાળને બેસાડી ભગવાન શંકર ભયભીત થવાને બદલે વધુ આનંદિત થયા છે, મૃત્યુની બેપરવાહી, અથવા મૃત્યુને હરખભેર આમંત્રણ કોઈ વૈરાગ્યવીર જ આપી શકે. તેના માટે મૃત્યુ મૃત્યુ નથી રહેતું પણ આભુષણ બની જાય છે. તે બતાવવા કંઠમાં નાગ ધારણ કર્યો છે. મૃત્યુથી ભાગી છૂટનારને મૃત્યુ ભાગવા નથી દેતું, ઉલટાનું વહેલું પકડે છે. આ જ કારણે મહાદેવને મૃત્યુંજય કહે છે. હવે મૃત્યુ તેમની નજીક નથી આવતું.

આપને સ્વામીજી નાં વિચારો કેવા લાગ્યાં? તમે પોતાનો અભિપ્રાય અહીં જણાવો.