[ સનાતન ધર્મ એટલે શું? માણસે બનાવેલા શાસ્ત્રીય ધર્મ(સંપ્રદાયો), કુદરતે મૂકેલા આવેગો, લાગણીઓ વિશે વિસ્તારથી સમજાવતો, ચિંતનથી ભરેલા આ લેખને આપણે ચાર-પાંચ ભાગમાં માણીશું. પહેલા ભાગમાં કુદરતી ધર્મ અને બીજા ભાગમાં આવેગો, લાગણીઓ અને મનુષ્ય બાકીની સૃષ્ટિ કરતાં કેવી રીતે જુદો પડે છે ? ત્રીજા ભાગ માં આપણે શાસ્ત્રીય ધર્મ એટલે શું માણ્યું. આ ભાગમાં શાસ્ત્રીય ધર્મના ત્રણ વિભાગો: માન્યતા, આચારો અને કથાઓ, સમજીશું . આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘ઉપસંહાર‘ માંથી કરવામાં આવ્યું છે. ]

શાસ્ત્રીય ધર્મના ત્રણ વિભાગ

લગભગ પ્રત્યેક શાસ્ત્રીય ધર્મના ત્રણ વિભાગ કરી શકાય: ૧. માન્યતાઓ, ૨. આચારો અને ૩. આ બન્નેને પુષ્ટ કરનારી કથાઓ.
૧. માન્યતા: પ્રત્યેક ધર્મની કોઈ ને કોઈ માન્યતાઓ હોય જ છે. માન્યતાઓ એને કહેવાય, જેને શ્રદ્ધાથી માની લેવામાં આવે. જેને સાબિત કરવી કઠિન થઇ પડે તેને સરળતાથી શ્રદ્ધાના દ્વારા સ્વીકારી શકાય. જેમકે ઈશ્વર વિશે, આત્મા વિશે, લોક-પરલોક, પુનર્જન્મ વિશે, પાપપુણ્ય વિશે વગેરે અનેક ક્ષેત્રોનો સચોટ વિચાર પ્રત્યેક વ્યક્તિ કરી શકે નહિ, એટલે વિશાળ સમૂહને એક બીબાંઢાળ વિચારો અને માન્યતાઓ આપવાનું કામ શાસ્ત્રીય ધર્મો અર્થાત સંપ્રદાયો કરતા હોય છે. પૂર્વ કહ્યું તેમ આવાં શાસ્ત્રો કોઈ ને કોઈ મનુષ્ય અથવા મનુષ્યો દ્વારા પ્રાપ્ત થતાં હોય છે. એવા મનુષ્યો લોકોત્તર-દૈવી કે પછી સ્વયં ભગવાનોની કક્ષાએ ગોઠવાતા હોય છે. શાસ્ત્ર ઉપર શ્રદ્ધા એટલે કે તે તે પ્રવર્તક વ્યક્તિ ઉપર શ્રદ્ધા, એવો ભાવ થાય છે. આ કારણે લગભગ બધાં જ સંપ્રદાયો પોત-પોતાના પ્રવર્તકનો મહિમા પરમેશ્વર કરતાં પણ વધારે મક્કમતાથી કરતા હોય છે. જીસસના મહિમા વિના માત્ર પરમેશ્વરનો મહિમા ગાવાથી ખ્રિસ્તીધર્મ ન બને. આવી જ રીતે પયગંબર સાહેબ (સ.અ.વ.)નો જયજયકાર કર્યા વિના ઇસ્લામની રજૂઆત કરવી કઠિન થઇ જાય. મુસ્લિમોની કવ્વાલીઓ સાંભળશો તો ખ્યાલ આવશે કે તેઓ અલ્લાહ કરતાં પણ વધુ કવ્વાલીઓ પયગંબર સાહેબની ગાય છે. આવું જ બુદ્ધ અને મહાવીર વિના બૌદ્ધ કે જૈન ધર્મની વિચારણા કે પ્રસ્થાપન ન થઇ શકે. હિન્દુઓના ભાગે આવી કોઈ એક નિશ્ચિત વ્યક્તિ નથી, તેના ઘણા ઋષિઓ અને ઘણા અવતારો છે, એટલે તે જુદા-જુદા અવતારો કે ઋષિઓ વગેરેના માધ્યમથી પોતપોતાની માન્યતાઓ પ્રસ્તુત કરે છે. ઘણા હોવાથી માન્યતાઓ પણ ઘણી થઇ ગઈ છે. જેથી સહિષ્ણુતાની સાથે અસ્પષ્ટતા પણ ઘણી આવી ગઈ છે.
વિશ્વભરના બધાં જ શાસ્ત્રીય ધર્મોની માન્યતાઓ, ઈશ્વર – આત્મા – પરલોક – પાપ – પુણ્ય વિશે એકસરખી નથી, ઘણી વાર તો પરસ્પરની વિરોધી પણ છે. એ જ બતાવે છે કે આ બધા પ્રવર્તકો ગમે તેટલા મહાન હોય તોપણ દેશ-કાળ અને પરિસ્થિતિ-સાપેક્ષ તેઓ જ્ઞાનચર્ચા કરતા હતા. ‘ તે જ એક માત્ર સત્યવક્તા હતા’, ‘તેમનું જ વાક્ય છેલ્લું સત્ય છે’, ‘તેમાં એક માત્રાનું પણ પરિવર્તન કરી શકાય નહિ’ આવી ધારણાઓ અનિવાર્ય રીતે બધાં જ શાસ્ત્રીય ધર્મોના આચાર્યો વગેરે કરતા રહે છે. આના કારણે સદીઓ સુધી એકનું એક તત્વ સ્થિર થઇ જાય છે. જે પ્રજાને સ્થાયી અથવા સ્થગિત કરી નાખે છે. ઘણી વાર આવી ભિન્નભિન્ન માન્યતાઓની પકડ, અનુયાયીઓના મગજ ઉપર એટલી ભયંકર રીતે બેસી ગઈ હોય છે કે તે બીજી માન્યતાને જરાપણ સહન કરી શકતો નથી. ધર્મના દ્વારા આ રીતે માણસ-માણસ સાથે આખલાબાજીકરતો થઇ જાય છે. કુદરતી ધર્મમાં માન્યતાઓને બહુ સ્થાન જ નથી. પશુ-પક્ષીઓ વગેરે કદી માન્યતાઓ માટે લડતાં-ઝગડતાં જોવા નહિ મળે. પણ માણસ કાંઈ પશુ-પક્ષી નથી, તેને નિશ્ચિત માન્યતાઓ હોય છે. આ રીતે જોઈએ તો ધર્મના દ્વારા મનુષ્યને સુધારવામાં જ્યાં મહત્વપૂર્ણ કાર્ય થતું રહ્યું છે, ત્યાં માનવસમાજને જકડી રાખી પ્રગતિને સ્થગિત કરવાનું કામ પણ ધર્મોએ જ કર્યું લાગે છે. જે પ્રજા જેટલી ચુસ્ત ધાર્મિક હશે તે પ્રજા તેટલી જ પછાત પણ હશે. ધર્મની પરવા કર્યા વિના જે લોકો સહન કરીને પણ પ્રયોગશાળા તરફ વળ્યા તેઓ જ પ્રગતિશીલ થઇ શક્યા.

૨. આચારો: શાસ્ત્રીય ધર્મોનું બીજું ઘટક આચારો છે. ગર્ભાધાનથી મૃત્યુ પર્યંત અને તે પછી પણ કેવા કેવા આચારો આચરવા તથા કેવા ન આચરવા તેની સ્પષ્ટતા ધર્મો કરે છે. જે આચારોને આચરવાના હોય છે, તે વિધિ અને જેને નથી આચરવાના હોતા તે નિષેધ કહેવાય છે. આમ વિધિ-નિષેધ જ પુણ્ય-પાપ થઇ જાય છે. આ પણ બધા ધર્મોના સરખા નથી હોતા. એક તરફ જીવદયાવાદી કીડી-મકોડી તો શું લીલોતરીને પણ
ખાવામાં પાપ માને છે, તો બીજી તરફ વિશ્વનું બધું જ ચળ-અચળ માણસો માટે બનાવ્યું છે, એટલે થોડાક અપવાદ સિવાય બધું ખાવાની છૂટ છે એમ માનીને વધુમાં વધુ માંસાહાર કરનારા ધર્મો પણ છે. (૧). પ્રતિદિન ત્રણ વાર સ્નાન કરવું જોઈએ, (૨) પ્રતિ સપ્તાહ એક વાર સ્નાન કરવું જોઈએ અને (૩) સ્નાન કરાય જ નહિ. આમ ભિન્ન-ભિન્ન આચારો છે. કોઈ પૂર્વ દિશાને પવિત્ર માને છે તો કોઈ પશ્ચિમને પવિત્ર માને છે. કોઈ મૂર્તિપૂજાને જરૂરી માને છે તો વળી કોઈ મૂર્તિઓને તોડી નાખવામાં પુણ્ય માને છે. કોઈ બ્રહ્મચર્યને સર્વોત્તમ જીવન માની તેવી પ્રેરણા આપે છે, તો કોઈ લગ્નજીવન અને તે પણ અનેક સ્ત્રીઓ સાથેનું લગ્નજીવન શ્રેષ્ઠ માને છે. કોઈ યુદ્ધ કે હિંસાનો સદંતર ત્યાગ માને છે તો કોઈ ધર્મ યુદ્ધ કે જેહાદ ને હિંસા ન માનતાં નહ પુણ્ય માને છે, કોઈ સગોત્ર વિવાહને હીન માને છે તો કોઈ કાકા-મામાના દીકરા-દીકરીઓના વિવાહને પણ સ્વીકારે છે. કોઈ મડદાંને દાટવામાં માને છે તો કોઈ બળવામાં માને છે. સૂક્ષ્મ રીતે અવલોકન કરનારને જણાશે કે શાસ્ત્રીય ધર્મોએ પરસ્પરમાં મેળ ખાય તેવાં તથા મેળ ન ખાય તેવા પણ ઘણા આચારો સ્થાપિત કર્યા છે. આમાં જે કુદરતની નજીક આચારો હશે તે વધુ સુખ-સગવડ આપનારા થઇ જશે અને જે કુદરતથી દૂર ખસતા-ખસતા કુદરતવિરોધી થઇ ગયા હશે તે પ્રજાને ત્રાસ આપતાં થઇ જશે. પૂર્વ કહ્યું તેમ આ આચારો જ પાપ-પુણ્ય બની જતા હોય છે, એટલે બધાંનાં પાપ-પુણ્ય પણ સરખાં નથી હોતાં. કોઈ લાખ પ્રયત્ન કરે તો પણ બધા જ આચારોને સનાતન બનાવી શકાતા નથી. દેશ-કાળની તેના ઉપર અસર પડતી જ હોય છે. પહેલાં લોકો શૌચક્રિયા પછી માટીથી હાથ શુદ્ધ કરતા, હવે સાબુ આવી ગયો. હજી પણ માટીની હાથ રાખનારા, બાથરૂમના નળ સીડાવી દેશે, એટલે ચાલશે નહિ, પહેલાં પાટલા ઉપર બેસીને જમતા તો હવે ટેબલ-ખુરશી ઉપર બેસીને જમવાનું ચાલે છે. પહેલાં વિધવા-વિવાહ નહોતો થતો તો હવે થવા લાગ્યો છે. આમ અનેક આચારો સમયની સાથે બદલાતા હોય છે અથવા સમાપ્ત થઇ જતા હોય છે. તો વળી કેટલાક નવા આચારો પણ ઉદભવતા હોય છે. જે લોકો આચારવ્યવસ્થાને ઈશ્વરીય વ્યવસ્થા માનીને સતત એકધારી ચાલુ રાખવા માગે છે, તે પ્રજાને જકડી રાખી સ્થગિત કરી અંતે પછાત બનાવી દેતા હોય છે. તો બીજી તરફ જે લોકો રોજ નવા-નવા આચારો આચરતા હોય છે તે સ્થિરતા ગુમાવીને અસ્થિર થઇ જતા હોય છે. જરૂરી છે બન્ને વચ્ચેનો દેશ-કાળ-પરિસ્થિતિ પ્રમાણેનો માધ્યમ માર્ગ.

૩. કથાઓ: લગભગ બધા જ શાસ્ત્રીય ધર્મોની પાસે કથાઓ હોય છે. ઘણી વાર આ કથાઓ માન્યામાં ન આવે તેવી પણ હોય છે, જેને મિથ કહી શકાય. કુંવારી માતાને પુત્ર થવો, મંત્રથી પુત્રો થવા, કોઈનું ગળું કાપીને કોઈનું ગળું બેસાડી દેવું, ત્રણસો વાંસ ઊંચું શરીર હોવું અને લાખ્ખો વર્ષનું આયુષ્ય હોવું, સ્વર્ગમાં સર્વનો પ્રવેશ અને તેના કહેવાથી કોઈ સ્ત્રીએ કશુંક ખાધું અને તેથી પૃથ્વી ઉપર પતન થવું. આવી બધી અસંખ્ય, ગણી શકાય નહિ અને વીણી શકાય નહિ તેવી અને તેટલી કથાઓ પ્રત્યેક શાસ્ત્રીય ધર્મો પાસે રહે છે. સતત એકની એક કથા સાંભળ્યા કરવાથી તે સાચી લાગે છે અને દ્રઢ થઇ જાય છે, એટલે અનુયાયીઓને કશી શંકા-કુશંકા નથી થતી, શંકા-કુશંકા કરનારને પાપી માનવામાં આવે છે એટલું જ નહિ કેટલીક પરંપરામાં તો તેને ભયંકર દંડ પણ આપવામાં આવે છે. એટલે મિથકથાઓ પરમ સત્યકથાઓ થઈને લોક્બુદ્ધિમાં પ્રસ્થાપિત થઇ જાય છે. અહીંથી અજ્ઞાન અને અજ્ઞાનરક્ષા શરૂ થાય છે. ક્રમે ક્રમે આવી કથાઓજન્ય માન્યતાઓ અને વૈજ્ઞાનિક તથ્યો વચ્ચે વિરોધ થવા લાગે છે. જેનું પરિણામ સંઘર્ષમાં આવે છે. બળવાન દુર્બળને દબાવે છે, ‘સત્ય અસત્યને દબાવે છે’, તેવું કહેવું સર્વાંશમાં સત્ય નથી. સત્ય કે અસત્ય બંનેમાંથી જે બળવાન હશે તે બીજાને દબાવશે. જે શાસ્ત્રીય ધર્મોએ વિજ્ઞાનને દબાવવામાં સફળતા પ્રાપ્ત કરી તેમણે પ્રજાને લાંબો સમય જકડી રાખી. જે વિજ્ઞાને શાસ્ત્રીય ધર્મોની પોકળ માન્યતાઓને પોકળ ઠેરવી અને પ્રજાને જગાડી તે પ્રગતિશીલ થયું. હવે આવનારો સમય શાસ્ત્રીય ધર્મોનો નહિ, પણ વિજ્ઞાનનો છે. પ્રત્યેક કથા, ઘટના, આચાર વગેરેને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ચકાસવામાં આવશે જ અને વિજ્ઞાન તથા માનવતા તરફ પ્રજા વધુ ને વધુ વળશે.