['વાસ્તવિકતા' પુસ્તક માંથી સાભાર. ૧૫ મી ઓગસ્ટ ને ધ્યાન માં રાખી ને થોડીક ઈતિહાસ ની વાતો. ભાગ-૧, ભાગ-૨]

1. રાષ્ટ્રની રક્ષા માટે યુદ્ધ અનિવાર્ય છે. બધી મંત્રણાઓ કર્યા પછી પણ જ્યારે શત્રુપક્ષ સમાધાન માટે તૈયાર ન થાય ત્યારે યુદ્ધ જ બાકી રહે છે. જો તે ન કરવામાં આવે તો રાષ્ટ્રનું રક્ષણ થઈ શકતું નથી. મંત્રણાઓ પણ તેની સફળ થતી હોય છે જેનામાં યુદ્ધ કરવાની અને જીતવાની ક્ષમતા હોય.

2. રાષ્ટ્રની રક્ષા ત્રણ રીતે થઈ શકે છે :
1. જ્યાંથી આક્રમણ થવાનું હોય તેના ઉપર પ્રથમથી જ આક્રમણ કરી દેવું. તેને તેની ભૂમિ ઉપર જ લડવા બાધ્ય કરવો. જેથી આપણી ભૂમિ યુદ્ધક્ષેત્રથી બચી જાય.
2. શત્રુપક્ષ તરફથી આક્રમણ થયા પછી પ્રત્યાક્રમણ કરવું.
3. આ બન્નેમાંથી એક પણ ન કરી શકાય તો તો શત્રુપક્ષની શરતો પ્રમાણે સંધિ કરી લેવી અથવા હારી જવું.

3. આપણે એક વાર જ વિદેશી શત્રુ ઉપર આક્રમણ કર્યું હતું. શ્રી રામે, શ્રીલંકા ઉપર પૂરી તૈયારી કરીને આક્રમણ કર્યું હતું. અને સીતાજીને લઈ આવ્યા હતા. મને લાગે છે કે આ પહેલું અને છેલ્લું આક્રમણ હતું. તે પછી પૂરી તૈયારી કરીને પરદેશ ઉપર આક્રમણ કર્યું હોય તેવું દેખાતું નથી. આવો, જરા વિગતથી ઇતિહાસ જોઈએ.

4. ઈરાનના હખામની વંશના રાજા કુરુષે ઈ.સ. પૂર્વ 558માં એક મોટી સેના સાથે ભારત ઉપર આક્રમણ કર્યું હતું. તેણે ભારતનો પશ્ચિમોત્તર પ્રદેશ અને સિન્ધુ નદી સુધીના પ્રદેશોને ખંડણી ભરતા કર્યા હતા. આપણે તેના આક્રમણ પૂર્વે તેના ઉપર ન તો આક્રમણ કર્યું કે ન પછીથી પ્રત્યાક્રમણ કર્યું. તે ફરીથી સિન્ધ ઉપર ચઢી આવ્યો, કારણ કે આક્રમણ કે પ્રત્યાક્રમણ ન થવાથી તેને પાનો ચઢ્યો. પણ આ વખતે તે હાર્યો અને ઘણી ખુવારી વેઠીને ચાલ્યો ગયો. ખુવારી વેઠીને ચાલ્યો ગયો હોવા છતાં આપણે પીછો ન કર્યો અને પ્રત્યાક્રમણ કરી તેના દેશનો કબજો ન લીધો.

5. એ જ વંશમાં ઈરાનમાં એક મહાન રાજા થયો દારા અથવા દારાયવહૂ (ઈ. પૂ. 521-485) તે ભારત ઉપર ચઢી આવ્યો. તેણે પશ્ચિમ પંજાબ અને સિન્ધ સુધીનો પ્રદેશ જીતી લીધો. આ બધા પ્રદેશોને ઈરાનમાં ભેળવી લીધા અને તેનો 20મો પ્રાન્ત બનાવ્યો. આ અધિકાર લાંબો સમય રહ્યો. યાદ રહે, આપણે ન તો પૂર્વ આક્રમણ કર્યું કે ન પછીથી પ્રત્યાક્રમણ કર્યું. આ ગુલામી સિકંદરના દ્વારા દૂર થઈ.

6. ઈ.સ. પૂર્વ 327માં ગ્રીસથી સિકંદર (એલેકઝાંડર) ચઢી આવ્યો. તેણે ઈરાનને જીતી લીધું. તેથી આપણા પ્રદેશો ઈરાનના કબજામાંથી મુક્ત થયા. સિકંદરે છેક કાશ્મીરથી સિંધ સુધીના પ્રદેશો જીતી લીધા. આ વખતે પણ આપણે ગ્રીસ ઉપર ન તો આક્રમણ કર્યું કે ન તેના ઉપર પ્રત્યાક્રમણ કર્યું. જીતેલા ભારતના પ્રદેશોના તેણે ત્રણ પ્રાન્તો બનાવ્યા : 1. કંદહાર, 2. પંજાબ અને 3. સિંધ.

7. ઈ.પૂ. 190માં બૈક્ટ્રિરયાના ડીમેટ્રીયસે ભારત ઉપર આક્રમણ કર્યું. તે છેક પાટલીપુત્ર સુધી પહોંચી ગયો. જોકે પાટલીપુત્રના પુષ્યમિત્રશુંગે તથા કલિંગ (ઉડિસા)ના મારવેલ રાજાએ સાથે મળીને તેને આગળ વધતો અટકાવ્યો અને પાછો વાળ્યો. તોપણ પંજાબના સિયાલકોટ (શાકલનગર)માં રાજધાની બનાવીને તે રાજ કરતો રહ્યો. પ્રશ્ન એ થાય છે કે તેના આક્રમણ પહેલાં જ આપણે તેના ઉપર આક્રમણ કેમ ન કર્યું? તે ભારતમાં જામી ગયો.

8. ઈ.પૂ. 162માં બૈક્ટ્રિરયાના યુક્રેટિડસે ભારત ઉપર આક્રમણ કર્યું, કાબુલ, પંજાબ, તક્ષશીલા, પુષ્કલાવતી, કપીશા વગેરે પ્રદેશો જીતી લીધા. લાંબો સમય રાજ કર્યું. આપણે આક્રમણ કે પ્રત્યાક્રમણ કશું ન કર્યું.

9. આ બધા ગ્રીક રાજા-સેનાપતિઓ ભારત ઉપર ચઢી આવતા હતા. ભારતે તો તેમના ઉપર આક્રમણ-પ્રત્યાક્રમણ ન કર્યાં, પણ ઈરાનના પાથિર્અન (પહલવ) રાજાએ, શકો તથા કુષાણોનો સાથ લઈને ગ્રીક ઉપર આક્રમણ કર્યું અને ભારત ઉપરથી ગ્રીકસત્તાને નષ્ટ કરી દીધી. યાદ રહે, ત્યારે શકો-કુષાણો આપણા માટે વિદેશી હતા.

10. મધ્ય એશિયાથી શકો, ખસતા-ખસતા ભારત ઉપર ચઢી આવ્યા. તેમણે કંદહાર જીત્યું, બલૂચિસ્તાન જીત્યું. સિંધમાં પ્રવેશ્યા. સિંધને તેમણે શકદ્વીપ નામ આપ્યું. સિંધથી સૌરાષ્ટ્ર, માળવા, મથુરા, પંજાબ સુધી આણ પ્રવર્તાવી. પછી તો યમુનાથી ગોદાવરી સુધીનો પ્રદેશ જીતી લીધો. પછી કાળાન્તરે તે ભારતીય થઈ ગયા. ફરી પાછો પ્રશ્ન એ થાય છે કે વિદેશી શકો ઉપર આપણે આક્રમણ કે પ્રત્યાક્રમણ કેમ ન કર્યું?

11. આ જ સમયે ઈરાનના પહલવો ચઢી આવ્યા. અને પશ્ચિમોત્તર ભારત જીતી લીધું.

12. ચીન તરફથી યુ.-ચી. જાતિ ચઢી આવી. તેણે કાબુલ-કંદહાર (ત્યારે તે ભાગ ભારતનો ગણાતો) પછી પંજાબ, સિંધ, કાશ્મીર અને અડધો ઉત્તર પ્રદેશ જીતી લીધો. યુ.-ચી. જાતિની પાંચ શાખાઓ થઈ. તેમાંથી આ શાખાને કુષાણ કહેવાઈ. કુષાણોમાં મહાન સમ્રાટ કનિષ્ક થયો. તેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. કનિષ્ક (ઈ.સ. 120-162) ભારતમાં રહ્યો. તે ભારતીય થઈ ગયો. લગભગ 42 વર્ષ સુધી તેણે ભારત ઉપર રાજ કર્યું. અને પોતાના પહેલાં આવેલા શકો સાથે લડતો રહ્યો. તેનું રાજ્ય કાશગર-બુખારાથી છેક ઉજ્જૈન સુધી ફેલાયેલું હતું. તેણે ક્ષત્રપો નીમ્યા અને પ્રાન્તોનો વહીવટ ચલાવ્યો. ને પછી કુષાણો ભારતીય થઈ ગયા.

13. ઈ.સ. 486માં ભારત ઉપર હૂણો ચઢી આવ્યા. તોરમાણના નેતૃત્વમાં ક્રૂર હૂણોને સમુદ્રગુપ્તે પાછા ધકેલી દીધા. પણ તે ફરી પાછા ચઢી આવ્યા અને કંદહારથી માળવા સુધીનો ભાગ જીતી લીધો. આપણે ન તો આક્રમણ કર્યું ન પ્રત્યાક્રમણ કર્યું. જે આવ્યા તે જીતતા ગયા અને રાજ કરતા રહ્યા.

14. હૂણોમાં મિહિરગુલ બહુ ક્રૂર રાજા થયો. તેણે ભારે અત્યાચારો કર્યા. અંતે અહીંની પ્રજામાં હૂણો ભળી ગયા.

15. ઈ.સ. 711માં અરબસ્તાનથી 17 વર્ષનો મહમદ બિન કાસમ ચઢી આવ્યો. સિંધનો બ્રાહ્મણ રાજા બૌદ્ધ મંત્રીઓની ગદ્દારીથી હાર્યો અને મરાયો. વિધવા રાણી કિલ્લાના રક્ષણ માટે ભારે ઝઝૂમી પણ હારી ગઈ. હજારો સ્ત્રીઓ શિયળ બચાવવા બળી મરી. કદાચ આ પહેલું જૌહરવ્રત હતું. આરબ સેનાપતિ મુલતાન પહોંચ્યો. રાજા હાર્યો. મરાયો, સમૃદ્ધ નગર લૂંટી લેવાયું. સ્ત્રીઓ વગેરેને ગુલામ બનાવી અરબસ્તાન લઈ ગયો. મંદિરો લૂંટ્યાં તથા નષ્ટ કર્યાં. અહીં આરબસત્તા સ્થાપિત થઈ. ઘણા લોકોને ઇસ્લામમાં પરિવૂર્તિત કરાયા. ભારતમાં આ પહેલી મુસ્લિમ સત્તા સ્થાપિત થઈ હતી. ફરી પાછો એનો એ જ પ્રશ્ન આક્રમણ—પ્રત્યાક્રમણ કેમ ન કર્યું? ન કરવાથી પરાજય અને વિનાશ થયો. ભારતમાં પ્રથમવાર સિંધમાં આરબોની સત્તા સ્થાપિત થઈ. અને સિંધમાંથી સૌરાષ્ટ્ર ઉપર આક્રમણો થયાં. જમાદાર જુનેદને ગદ્દાર કાકુ વાણિયો વલ્લભી ઉપર લઈ આવ્યો અને વલ્લભીનો વિનાશ કરાવ્યો, પણ વલ્લભીએ જુનેદ ઉપર પ્રથમ આક્રમણ કેમ ન કર્યું? પછીથી પ્રત્યાક્રમણ કેમ ન કર્યું?

16. ઈ.સ. 1001માં મહેમુદ ગઝનવી પંજાબ ઉપર ચઢી આવ્યો અને જયપાલને હરાવીને અપાર લૂંટ કરી પાછો ચાલ્યો ગયો.

17. જયપાલ ઉપર મહેમુદે ફરી વાર આક્રમણ કર્યું. જયપાલ ફરી હારી ગયો. ભારે આઘાત લાગવાથી જયપાલે અગ્નિમાં પ્રવેશી આત્મહત્યા કરી લીધી.

18. ઈ.સ. 1004માં ભાટિયા ઉપર આક્રમણ કર્યું. મંદિરો તોડ્યાં, સ્ત્રી-પુરુષોને ગુલામ બનાવ્યાં. હજારોની કતલ કરી, સામે કોઈએ પ્રત્યાક્રમણ ન કર્યું.

19. ઈ.સ. 1005-6માં મુલતાન ઉપર આક્રમણ કર્યું. વિજયી થઈ લૂંટીને ચાલ્યો ગયો.

20. મહેમુદે ફરીથી સુખપાલ ઉપર ચઢાઈ કરી. સુખપાલે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. પણ તેણે ધર્મ છોડી દીધો એટલે દંડ દેવા પાછો આવ્યો અને સુખપાલને જીવનભર કેદમાં રાખ્યો.

21. ઈ.સ. 1008-9માં અનંગપાલ ઉપર ચઢાઈ કરી. પેશાવરના મેદાનમાં બન્ને સેનાઓ વચ્ચે યુદ્ધ થયું. મહમુદ જીતી ગયો. તેણે ભારતના મોટા પ્રદેશ ઉપર આક્રમણ કર્યું. અને મોટી સંપત્તિ લૂંટી, મંદિરો તોડ્યાં, સ્ત્રી-પુરુષોને ગુલામ બનાવ્યાં અને ગઝની લઈ ગયો. પણ કોઈ બોધપાઠ ન લેવાયો. ન તો આપણે ગઝની ઉપર આક્રમણ કર્યું ન પ્રત્યાક્રમણ કર્યું.

22. ઈ.સ. 1010માં અલવર પાસે નારાયણપુર ઉપર ચઢાઈ કરી. મહેમુદ ભૂમિ મેળવવા ચઢાઈ કરતો ન હતો, તેને તો મંદિરો તોડવામાં, લૂંટવામાં અને જુવાન સ્ત્રીઓને ગુલામ બનાવવામાં રસ હતો. તેથી રાજાને હરાવીને મંદિરો તોડીને, લૂંટીને વીણી-વીણીને જુવાન સ્ત્રીઓને પકડીને ચાલતો થતો.

23. ઈ.સ. 1010માં ફરીથી મુલતાન ઉપર ચઢાઈ કરી, રાજાને હરાવી કેદ કરી લઈ ગયો. મુલતાનને ત્રીજી વાર લૂંટી લીધું.

24. મહેમુદે ફરીથી અનંગપાલના પુત્ર પૂરુ જયપાલ ઉપર આક્રમણ કર્યું. રાજા હારીને ભાગી ગયો. આ વખતે મહેમુદ એટલી બધી સ્ત્રીઓને ગુલામ પકડી કે ગઝની અને બીજાં શહેરો આવી ગુલામ સ્ત્રીઓથી બજારો ઊભરાઈ ગયાં.

25. મહેમુદે ઈ.સ. 1014માં થાણેશ્વર ઉપર ચઢાઈ કરી, થાણેશ્વરમાં રાજાએ જગસામ્બનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું તેમાં અઢળક ધન હતું. તે લૂંટવાની તથા મંદિર તોડવાની તેની નેમ હતી. રાજાએ તેને સમજાવ્યો કે એ મંદિર ન તોડે તો લાખ્ખો સોનામહોરોનો દંડ આપવા હું તૈયાર છું. પણ મહેમુદે કહ્યું કે મંદિરો તોડવાં એ અલ્લાહનો હુકમ છે. તેમાં કશો ફેરફાર થઈ શકે નહિ. તેણે મંદિર તોડ્યું. ચક્રપાણિની મૂર્તિના ટુકડા કર્યા, હજારો સ્ત્રીઓ અને ધનને લઈને પાછો ફર્યો. ‘હું મૂર્તિઓ તોડનારો છું. વેચનારો નથી.’ તેવું તેનું પ્રસિદ્ધ વાક્ય છે.

26. ઈ.સ. 1014-15માં તેણે કાશ્મીર ઉપર ચઢાઈ કરી. પણ હિમવર્ષાના કારણે સફળ ન રહ્યો તેથી પાછો ફર્યો.

27. ઈ.સ. 1018-19માં તેણે મથુરા—કનોજ ઉપર ચઢાઈ કરી. કનોજનો રાજા શરણે થયો તોપણ ત્યાંનાં દશ હજાર મંદિરોને લૂંટ્યાં અને તોડ્યાં. ત્યાંથી વારણા ગયો ત્યાં લોકોએ દંડ આપ્યો. તોપણ મંદિરો તો તોડ્યાં જ. ત્યાંથી મથુરા જઈને હાહાકાર મચાવ્યો. તેણે બધાં મંદિરો તોડ્યાં, લૂંટ્યાં અને ત્રેપન હજાર સ્ત્રી-પુરુષોને ગુલામ બનાવ્યાં. મથુરામાંથી 62 મણની સોનાની એક મૂર્તિ મળી. તેને લઈ જવી કઠિન લાગતાં ત્યાં ને ત્યાં ટુકડા કરી લઈ ગયો. વૃન્દાવનમાં પણ આવું જ કર્યું.

28. ઈ.સ. 1020માં તે બુંદેલારાજા ઉપર ચઢી આવ્યો. અને જીત્યો.

29. હિરાત તથા નૂર (કાબુલ નદી પાસે) એટલા માટે ચઢાઈ કરી, કારણ કે અહીંના બૌદ્ધોએ ઇસ્લામ સ્વીકારેલો પણ તે છોડીને ફરીથી મૂર્તિપૂજા કરવા લાગ્યા હતા. તેમને દંડ દેવા ચઢી આવ્યો. બધાને કાફરપણામાંથી પાછા ઇસ્લામમાં લાવ્યો અને ચાલ્યો ગયો.

30. ઈ.સ. 1022માં તેણે ગ્વાલિયરમાં સંતાયેલા નંદરાજાને દંડ દેવા ચઢાઈ કરી, નંદે શરણાગતિ સ્વીકારી દંડ આપ્યો.

31. ઈ.સ. 1025માં તે સોમનાથ ઉપર ચઢી આવ્યો. રાજસ્થાનનું રણ પાર કરીને જૈન તીર્થ લોદરવા લૂંટ્યું. મંદિરો તોડ્યાં. ત્યાંથી રસ્તામાં આવતાં અનેક મંદિરો લૂંટતો તોડતો પાટણ પહોંચ્યો. પાટણનો રાજા ભીમદેવ પહેલો દરવાજા ખુલ્લા મૂકીને ભાગી ગયો. પાટણ અનાથ થઈ ગયું. પાટણમાં ભારે સમૃદ્ધિ હતી. સેંકડો જિનાલયો તથા શિવાલયો હતાં. બધું તોડી નાખ્યું. હાહાકાર મચાવી મોઢેરા પહોંચ્યો. અહીં સામનો કરનારા રાજપૂતોને મારી-કાપી હરાવીને મંદિરો તોડી-ધ્વંસ કરી, દેલવાડા પહોંચ્યો. અહીં પણ તેણે તે જ કર્યું. અંતે તે સોમનાથ પહોંચ્યો. સોમનાથની વિગત લખતાં કલમ કાંપી ઊઠે છે. ન જ લખું તો સારું. સોમનાથનો સર્વાંશમાં વિધ્વંસ કરીને ગઝની પહોંચ્યો. ગઝની શહેર ભારતીય ગુલામ સ્ત્રી-પુરુષોથી ઊભરાઈ ઊઠ્યું. ચાર-ચાર આના (પચીસ પૈસા)માં સ્ત્રીઓ વેચાઈ. કોઈ લ્યો, કોઈ લ્યો થઈ ગયું.

32. છેલ્લી ચઢાઈ તેણે પંજાબના જાટો ઉપર કરી. તેમને દંડ દીધો. તેના મૂર્તિ તોડવાના મહાન કાર્યથી પ્રસન્ન થઈને ખલીફાએ તેને ‘કરફુદ્દૌલા અલ ઇસ્લામ’નો ઇલકાબ આપ્યો. તેણે સત્તર વાર ભારત ઉપર ચઢાઈ કરી, પણ ભારતે એક વાર પણ ગઝની ઉપર ચઢાઈ ન કરી, ન પ્રત્યાક્રમણ કર્યું. તે વાવાઝોડાની માફક આવતો, ધનાઢ્ય મંદિરોને શોધતો તોડતો, લૂંટતો હાહાકાર મચાવી ચાલ્યો જતો. ત્યારે તો કશો બોધપાઠ આપણે ન લીધો, હવે તો લ્યો. સુરક્ષિત રહેવું હોય તો જ્યાંથી આક્રમણ થવાનું હોય ત્યાં પહેલાં જ આક્રમણ કરી દો. શત્રુને મૂળમાંથી ઉખેડી નાખો. પણ આવું ચિંતન લાવવું ક્યાંથી? જામનગર કરતાં પણ નાની જાગીરવાળો ગઝનીનો સુલતાન ભારત ઉપર સત્તરવાર ચઢી આવે અને પ્રત્યેક વાર વિજયી થાય એ શરમથી ડૂબી મરવા જેવી વાત થઈ કહેવાય. હવે તો બણગાં ફૂંકવાનું બંધ કરી વાસ્તવિકતાને સ્વીકારો. વાત પૂરી થતી નથી. હજી ચાલુ રહેવાની છે.

33. ગઝની અને હિરાત વચ્ચે ગોર પરગણું હતું. મહેમુદના અવસાન પછી અહીંનો શાસક સ્વતંત્ર થઈ ગયો. અને તેણે ગઝની ઉપર હુમલો કરી ગઝનીને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખ્યું. મહેમુદે ભારતનાં સેંકડો નગરોના જે હાલ કર્યા હતા તેથી પણ વધારે ખરાબ હાલ ગોરીઓએ ગઝનીના કરી નાખ્યા. અંતે ગઝનીનો શાસક મહેમુદ ગોરી (શહાબુદ્દીન ગોરી (ઘોરી)) થયો. તેની નિયત હતી કે પૂરા ભારતને ઇસ્લામિક દેશ બનાવી દેવો. તેણે પંજાબ ઉપર હુમલો કર્યો, મુલતાનના શિયા મુસ્લિમોને હરાવીને સુન્ની હાકેમ નિયુક્ત કર્યો. લાહોર અને પેશાવર જીતી લીધાં. ત્યાંના ગઝનીવંશને સમાપ્ત કરી દીધો.

34. શહાબુદ્દીન ગોરી ગુજરાતના અણહિલપુર – પાટણ ઉપર ચઢી આવ્યો. ભીમદેવ દ્વિતીય રાજ કરતો હતો. ગોરી હાર્યો અને પાછો ભાગ્યો પણ રાજાએ પાછળ પડીને તેનું નિકંદન ન કાઢ્યું. રાજીરાજી થઈ ગયા. હો જીતી ગયા!

35. ઈ.સ. 1191માં ગોરી, દિલ્હી ઉપર ચઢી આવ્યો. તરાઈનના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણ સાથે લડાઈ થઈ. ગોરી હારી ગયો અને પાછો ચાલ્યો ગયો. પૃથ્વીરાજે પીછો ન કર્યો. ન પ્રત્યાક્રમણ કર્યું.

36. યુદ્ધના પરાજયથી ગોરી ભારે દુ:ખી હતો. તેણે ફરી તૈયારી કરી ફરી ચઢી આવ્યો. તરાઈનના મેદાનમાં ફરી યુદ્ધ થયું. પૃથ્વીરાજ હાર્યો અને ભાગ્યો. દિલ્હી ઉપર પહેલી વાર તુર્કોની રાજસત્તા સ્થાપિત થઈ ગઈ.

37. ગોરીએ કુતુબુદ્દીન ઐબકને વહીવટ સોંપીને તે સ્વદેશ ચાલ્યો ગયો. ઐબકે, દિલ્હીનાં મંદિરોનો નાશ કર્યો અને તેની જગ્યાએ મસ્જિદો બંધાવી. દિલ્હી ઉપરથી રાજપૂતોની સત્તા સમાપ્ત થઈ ગઈ અને મુસ્લિમોની સત્તા સ્થાપિત થઈ ગઈ.

38. ઈ.સ. 1194માં ગોરી ફરી પાછો ભારત આવ્યો. અને કનોજના રાજા જયચંદ રાઠોડને હરાવીને છેક બનારસ સુધી પોતાની આણ વર્તાવી. તેના ત્રાસથી કેટલાક રાજપૂત રાજાઓ હિમાલયમાં જઈને વસ્યા.

39. ઈ.સ. 1195-96માં ગોરી ફરી પાછો ભારત આવ્યો. બયાના, ગ્વાલિયરના રાજાઓને હરાવી સંધિ કરી. તેનો સૂબો ઐબક અજમેર થઈને ગુજરાત પહોંચ્યો. ભીમદેવ દ્વિતીય સામો થયો પણ હારી ગયો. તેને ભાગી જવું પડ્યું. ફરી વાર પાટણ લૂંટાયું. જો પ્રથમવાર હારેલા ગોરીને જીવતો ન જવા દીધો હોત તો આ ફરી વારની દુર્દશા ન થાત. ગોરીએ દિલ્હીની સત્તા પોતાના ગુલામ કુતુબુદ્દીન ઐબકને સોંપી હતી. અંતે ગોરીની હત્યા એક મુસલમાને જ કરી નાખી. તેને સંતાન ન હતું તેથી જ તેનું સામ્રાજ્ય તેના તુર્ક ગુલામોમાં વહેંચાઈ ગયું.

મહેમુદ ગઝનવી માત્ર મંદિરો તોડવા અને લૂંટવા જ આવતો હતો, પણ ગોરીએ તો ભારતમાં સત્તા જ જમાવી દીધી. આપણે એકે વાર સામે ચાલીને શત્રુના દેશ ઉપર આક્રમણ ન કર્યું. કે ન તો આક્રમણ થયા પછી પ્રત્યાક્રમણ કર્યું. આપણે તો પ્રત્યેક વાર શત્રુની રાહ જોતા પૂરી તૈયારી અને વ્યૂહ વિનાના બેસી રહ્યા અને ન છૂટકેની લડાઈ લડતા રહ્યા અને હારતા રહ્યા. આ બોધપાઠ હજી પણ લેવાય તો સારું. મને લાગે છે કે આમ થવાનું કારણ બૌદ્ધ-જૈન અને હિન્દુ ચિંતનનું જે મિશ્રિત ચિંતન હતું તેનું પરિણામ છે. જ્યારે સામા પક્ષ ઇસ્લામનું જે આક્રમક ચિંતન હતું તેનું પરિણામ એ હતું કે તેઓ વારંવાર આક્રમણ કરવા ધસી આવતા અને લાભ મેળવીને ચાલ્યા જતા. બન્ને વચ્ચેનું ધર્મચિંતન બન્નેને ભિન્ન-ભિન્ન પરિણામ આપતાં થયાં હતાં. આપણે આક્રમણવાદી ન હતા. તેથી રક્ષિત જીવન જીવતા. પેલા આક્રમણવાદી હતા તેથી ધસી આવતા. બન્નેના ચિંતનનો આ ફરક હતો.

#KnowYourHistory